રાજકોટની માર્ગ-મકાન વિભાગની કચેરીમાં સિનિયર ક્લાર્ક 5 હજારની લાંચ લેતાં પકડાયો
સરકારી કવાર્ટર ઉપલબ્ધ ના હોય તે અંગેનું પ્રમાણપત્ર આપવાના બદલામાં લાંચ માંગતા એસીબીની ટીમે છટકું ગોઠવી પકડી લીધો
લાંચીયા અધિકારી અને કર્મચારીઓ સામે એસીબી સતત કડક કાર્યવાહી કરી રહ્યું છે તેમ છતાં અમુક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા.ત્યારે એસીબીની ટીમ દ્વારા રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલી માર્ગ-મકાન વિભાગની કચેરીમાં સિનિયર ક્લાર્કને રૂ.5 હજારની લાંચ લેતો રંગે હાથ ઝડપી પાડ્યો છે.તે એક વ્યક્તિ પાસેથી સરકારી કવાર્ટર ઉપલબ્ધ ના હોય તે અંગેનું પ્રમાણપત્ર આપવાના બદલામાં લાંચ માંગી રહ્યો હતો.જેથી એસીબીની ટીમે છટકું ગોઠવી તેની ધરપકડ કરી છે.
આ અંગેની મળતી માહિતી મુજબ રાજકોટ ખાતે ફરજ બજાવતા કર્મચારીને સરકારી કવાર્ટર મેળવવા યાજ્ઞિક રોડ પર આવેલી માર્ગ-મકાન વિભાગની કચેરીમાં આશરે પાંચેક માસ પહેલા કવાર્ટર માટેની અરજી કરી હતી.પરંતુ તેઓને કવાર્ટર ફાળવવામાં આવ્યું ન હતું. જેથી સરકારના ધારાધોરણ મુજબ મકાન ભાડુ મેળવવા માટે રાજકોટ ખાતે સરકારી કવાર્ટર ઉપલબ્ધ નથી તેવુ પ્રમાણપત્ર માર્ગ-મકાન વિભાગની કચેરીમાંથી મેળવી પોતાના ખાતાના અધિકારીને આપવું પડે છે.જેથી તેઓ પ્રમાણપત્ર કઢાવવા આવતા વર્ગ-૩ના સિનિયર ક્લાર્ક રવી રાજુભાઇ મજેઠીયાએ ફરિયાદી પાસેથી પ્રમાણપત્ર કાઢી આપવાના બદલામાં રૂ.5 હજારની લાંચની માગણી કરી હતી.જેથી ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેઓએ એ.સી.બી. નો સંપર્ક કરતા રાજકોટ એસીબીના એસીપી કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબીના પીઆઇ આર.એન.વિરાણી અને ટીમ દ્વારા લાંચનું છટકું ગોઠવીને રવી રાજુભાઇ મજેઠીયાને રૂ.5 હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ પકડી પાડ્યો હતો.