સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી, ફાર્માસીસ્ટ,ઓપરેટરોના બબ્બે મહિનાથી પગાર ન થતા દેકારો
તગડી મલાઈ ખાતા કોન્ટ્રાકટરે સ્ટાફને બબ્બે મહિનાથી પગારથી વંચિત રાખતા સુપ્રિન્ટેન્ડેન્ટને ફરિયાદ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી, ફાર્માસીસ્ટ,ઓપરેટરો સહિતના સંવર્ગના કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા બે મહિનાથી પગાર ચુકવવામાં ન આવતા આજે રોષે ભરાયેલા કર્મચારીઓએ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ સમક્ષ ફરિયાદોનો મારો ચલાવ્યો હતો, રાજકોટ સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાકટ થકી મહિને દહાડે લાખો રૂપિયાની મલાઈ ખાતા કોન્ટ્રાકટરે સમયસર પગાર ન કરતા નાના કર્મચારીઓની હાલત કફોડી બની છે ત્યારે કર્મચારીઓનો રોષ જોતા તાબડતોબ પગાર ચૂકવવા તજવીજ શરૂ થઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ક્લાસ-3 અને ક્લાસ-4 સંવર્ગમાં એમ.જે.સોલંકી નામની પેઢીને વર્ષોથી મેનપાવર સપ્લાયનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે અને કોન્ટ્રાકટર દ્વારા કાગળ ઉપર અલગ અને હકીકતમાં અલગ માણસો દર્શાવી મહિને દહાડે મોટાપ્રમાણમાં ગોલમાલ કરવામાં આવી રહી છે તેવામાં છેલ્લા બે મહિનાથી એમ.જે.સોલંકીએ નાના કર્મચારીઓને પગાર નહીં ચુકવતા કર્મચારીઓને ઘર ચલાવવું મુશ્કેલ બની જતા અંતે કર્મચારીઓની ધીરજ ખૂટતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ સમક્ષ ફરિયાદ કરી હતી.
બીજી તરફ રાજકોટ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ સમક્ષ પગાર અંગેની ફરિયાદ પહોચતા તેઓ ચોકી ઉઠ્યાં હતા અને હવેથી દરમહિને 1થી 7તારીખમાં જ તમામ કર્મચારીઓને પગાર ચૂકવાઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ.જે.સોલંકી સહિતના કોન્ટ્રાકટર હેઠળ સિક્યુરિટી ગાર્ડથી લઇ નર્સીંગ, ફાર્માસીસ્ટ, લેબ ટેકનિશ્ય સહિતના 3000થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.