ફાયર એનઓસીની ઝંઝટ વચ્ચે રાજકોટ સહિત રાજ્યભરની શાળાઓ શરૂ
રાજકોટમાં પ્રિ-સ્કૂલો 20 જૂન બાદ શરૂ થાય તેવી શક્યતા : ફાયર એનઓસી અને બીયુના વાંકે 20 ખાનગી અને 15 ગ્રાન્ટેડ શાળાઓ હજુ બંધ
રાજકોટ : 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતા જ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે ફાયર એનઓસીની ઝંઝટ વચ્ચે રાજ્યની 54 હજારથી વધુ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ગુરુવારથી શરૂ થઇ છે, જો કે, રાજકોટ જિલ્લામાં 20 સેલ્ફ ફાઇનાન્સ અને 15 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ ફાયર એનઓસી અને બિયું પરમિશનને કારણે ખુલી ન હોવાનું જાણવા મળે છે.
ગુરુવારે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે રાજકોટ સહિત રાજયની 54 હજારથી વધુ શાળાઓમાં શિક્ષણકાર્યનો પ્રારંભ થયો છે. જો કે, રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ 100થી વધુ શાળાઓ સીલ કરવામાં આવ્યા બાદ ગઈકાલ સુધી એસઓપી ન આવતા શાળાઓ ખોલવા મામલે અવઢવ વચ્ચે શાળા સંચાલકો દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવતા સોગંદનામા રજૂ કરવાની શરતે અને નિયત સમયમાં ફાયર સેફટી અને બિયું પરમિશન મેળવવાની શરતે શાળાઓ ખોલવા મંજૂરી આપવામાં આવતા શાળાઓ શરૂ થઇ છે. બીજી તરફ હજુ પણ રાજકોટમાં 20 જેટલી સેલ્ફ ફાયનાન્સ શાળાઓ ફાયર એનઓસી અને બિયું પરમિશનના વાંકે ખુલી ન હોવાનું સેલ્ફ ફાયનાન્સ શાળા સંચાલક મંડળના ધર્મેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું અને આવતીકાલે વિદ્યાર્થીઓના હિતમાં આ મામલે રજુઆત કરવામાં આવનાર હોવાનું તેમને જણાવ્યું હતું.
બીજી તરફ રાજકોટમાં ગુરુવારથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થવા છતાં એકપણ પ્રિ-સ્કૂલ ખોલવામાં ન આવી હોવાનું પ્રિ-સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના વિશાલ મહેતાએ જણાવ્યું હતું, નોંધનીય છે કે પ્રિ-સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન હેઠળ 100 જેટલી પ્રિ-સ્કૂલ નોંધાયેલ છે અને મોટાભાગની પ્રિ-સ્કૂલનું સંચાલન મહિલાઓ હસ્તક હોય કાયદાની જાણકારીના અભાવે ગુરુવારે ફાયર એનઓસી અને બિયું પરમિશનના નિયમો અંતર્ગત બેઠક બોલાવી સંભવત 18થી 20 જૂન બાદ પ્રિ-સ્કૂલ શરૂ કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું. એ જ રીતે જિલ્લામાં 15 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ પણ બંધ હોવાનું જાણવા મળે છે.