છાડવાવદર ગામે કાગળ પર ચાલતી સ્કૂલ..!! : પાંચ દિવસમાં રિપોર્ટ માટે આદેશ
પરાપીપળીયા બાદ વધુ નકલી સ્કૂલ મળી આવી છતાંય શિક્ષણ વિભાગ હજુ તપાસમાં: ધોરાજી અને ઉપલેટા સુધી ગામના બાળકો અભ્યાસ માટે જાય છે છતાં શિક્ષણ તંત્ર કહે છે કે શાળા બોગસ નથી પણ વિદ્યાર્થીઓ અનિયમિત છે..!!!
રાજકોટના પરાપીપરીયામાંથી નકલી સ્કૂલ ઝડપાયા બાદ વધુ એક ધોરાજીના છાડવાવદર ગામે કાગળ પર ચાલતી સ્કૂલનું કારસ્તાન ખુલ્યું છે ત્યારે આચાર્ય અને શિક્ષકો સામે પગલાં લેવામાં ‘નબળું’પુરવાર થયેલું જિલ્લા શિક્ષણ વિભાગ એવો દાવો કરે છે કે, આ સ્કૂલ ખાલી ત્રણ મહિનાથી જ બંધ છે શિક્ષકો અને વિદ્યાર્થીઓ અનિયમિત છે, શાળાને બોગસ કહી શકાય નહીં..
તો બીજી બાજુ ગ્રામજનો એ કહી રહ્યા છે કે, અમે છેલ્લા દસ વર્ષથી શાળાઓમાં વિદ્યાર્થીઓને જોયા નથી..!! ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે કાગળ પર ધમધમતી ગ્રાન્ટેડ શાળા નો ભાંડફોડ થયા બાદ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી ની ટીમ તપાસ માટે ગઈ ત્યારે ત્રણ મહિનાથી કોઈ વિદ્યાર્થી શાળાએ આવ્યો નથી આથી શાળા બંધ હોવાનું જાણવા મળ્યું છે.
આ ગામના લોકોએ જણાવ્યું હતું કે દસ વર્ષથી અમે આ શાળામાં કોઈ વિદ્યાર્થીઓને ભણવા આવતા જોયા નથી. આથી જ અમારે અમારા બાળકોને ધોરાજી કે ઉપલેટા શિક્ષણ માટે મોકલવા પડે છે. અત્યારે સુધી આ શાળા વિદ્યાર્થીઓ વગર માત્ર કાગળ પર ચાલતી હતી તેમજ વરસ દરમિયાન અનેક સરકારી કાર્યક્રમો થતા હોય છે તો આ બાબતે શિક્ષણ અધિકારીની નજરમાં કેમ વાત ન આવી ? તેવા સવાલો પણ ઊભા થયા છે.
રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે જે જે કાલરીયા ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટેડ શાળા છે ,આ ગ્રાન્ટેડ શાળાને બોગસ કહી શકાય નહીં વિદ્યાર્થીઓ અને શિક્ષકો અનિયમિત હોવાની ફરિયાદો સામે આવી હતી ધોરણ નવમાં 27 અને ધોરણ 10માં 28 બાળકો અભ્યાસ કરે છે. શિક્ષણ વિભાગની ટીમ તપાસ માટે ગઈ હતી ત્યારે વિદ્યાર્થીઓના નિવેદનો લેવામાં આવ્યા છે.
બોક્સ 1 આ શાળામાં શિક્ષકો અને કર્મચારીઓની સંખ્યા, કેટલી ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે ? જેનાથી તંત્ર અજાણ
ધોરાજી પંથકની બોગસ સ્કૂલની સ્ફોટક વિગતો બહાર આવ્યા બાદ જિલ્લા શિક્ષણ વિભાગે તપાસ સમિતિને પાંચ દિવસમાં રિપોર્ટ કરવા આદેશ આપ્યો છે. આ સ્કૂલમાં અત્યાર સુધીમાં કેટલા શિક્ષકો અને કર્મચારીઓ છે? કેટલા સમયથી ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે? કેટલી રકમ મળે છે ?તે મુદ્દે પણ શિક્ષણ વિભાગ અજાણ છે. આ તમામ જાણકારી તપાસ સમિતિને મળ્યા બાદ વિગતો જાહેર થશે.
બોગસ 2 ઠંડીના લીધે વિદ્યાર્થીઓ આવતા નથી:ટ્રસ્ટી
જે.જે.કાલરીયા સ્કૂલના ટ્રસ્ટીએ એવો બચાવ કરતા કહ્યું કે, શાળા તો ચાલુ જ છે પરંતુ શિયાળો હોવાથી ઠંડીના લીધે વિદ્યાર્થીઓ શાળાએ આવતા નથી એક ધોરણમાં 28 અને અન્ય ધોરણમાં 30 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.