રાજકોટથી દેશભરમાં સપ્લાય થતાં પાર્સલમાં નકલી પ્રોડક્ટસ ઘૂસાડવાનું કૌભાંડ
ડિલેવરીનું કામ કરતી કંપનીના બે કર્મચારીઓનું કારસ્તાન
કિચનવેર આઈટમનું ઓનલાઈન વેચાણ કરતા વેપારીને સમગ્ર કૌભાંડનો ભાંડો ફોડયો
આજનો યુગ ઓનલાઈન શોપિંગનો યુગ છે,દુનિયા હવે ડિજિટલ થઈ રહી છે અને લોકોના ઘણા બધા કામ ઓનલાઈન થઈ રહ્યા છે. લોકો ઘરની નાનામાં નાનીથી લઈને મોટી જરૂરિયાતની વસ્તુઓની ઓનલાઈન ખરીદી કરે છે. આટલા મોટા પ્રમાણમાં ઓનલાઈન શોપિંગ થઈ રહ્યું છે ત્યારે સ્કેમર્સ કેમ પાછળ રહી શકે. ઓનલાઈન શોપિગ કરનારા લોકો સાથે છેતરપિંડી કરનારા લોકો અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. રાજકોટમાં આવુ જ એક કૌભાંડ બહાર આવ્યું છે અને મામલો તાલુકા પોલીસમાં પહોચ્યો હતો. રાજકોટથી દેશભરમાં સપ્લાય થતી કિચનવેરની આઈટમમાં દિલેવરીનું કામ કરતી કંપનીના બે કર્મચારીઓએ પાર્સલમાં ધાલમેલ કરી અસલીને બદલી નકલી પ્રોડક્ટ ઘૂસાડી તે પ્રોડક્ટસને દેશભરમાં સપ્લાય કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ઓનલાઈન શોપિંગ કરનારા લોકો સાથે નવતર પ્રકારની છેતરપિંડીનો કિચકવેરની આઈટમનું ઓનલાઈન વેચાણ કરતી પેઢીના વેપારીએ જ ભાંડો ફોડયો હતો છે.
રાજકોટના મવડી પ્લોટમાં રહેતા અને દેવ ઇમ્પેક્ષ નામે પેઢી ચલાવતા વેપારી પ્રદીપભાઈ રૂપાપરા રાજકોટથી કિચનવેર આઈટમનું નામાંકિત કંપની મારફતે ઓનલાઈન આખા ભારતમાં વેચાણ કરે છે. છેલ્લા છ મહિનાથી તેમની પેઢી દ્વારા દેશભરમાં વેચાણ કરવામાં આવતી કિચનવેર આઈટમ ખામી યુક્ત હોવાની ફરિયાદ સાથે ગ્રાહકો કિચનવેરની આઈટમ રિટર્ન કરવા લાગ્યા હતા. રાજકોટની અલગ અલગ કિચનવેર કંપની પાસેથી ખરીદ કરી કમિશનથી ઓનલાઈન વેચાણ કરતાં પ્રદીપભાઈને શંકા ગઈ કે તેમણે ગ્રાહકો પાસે થી જે પ્રોડક્ટસ રિટર્ન મળે છે તે પ્રોડક્ટસ તેમણે મોકલેલી પ્રોડકસ કરતાં અલગ છે. જેથી તેમણે આ અંગે તપાસ કરાવતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. ઓનલાઈન પ્રોડક્ટનું ડિલેવરીનું કામ કરતી કંપનીના બે કર્મચારીઓ દ્વારા દેવ ઇમ્પેક્ષ દ્વારા મોકલવામાં આવતી કિચનવેર પ્રોડકસને બારોબાર વેચી નાખી તેના બદલે પાર્સલમાં નકલી અને હલકી ગુણવતા વાળી પ્રોડક્ટ ગ્રાહકોને પધરાવી દેવામાં આવતી હતી. આ કૌભાંડમાં નવાગામ ખાતે આવેલ ડિલેવરી કંપનીના કર્મચારી અને પાર્સલ લઈ જતી વેનનો ચાલક આ રેકેટ ચલાવતા હોવાનું ખૂલ્યું હતું. દેવ ઇમ્પેક્ષના માલિક પ્રદીપભાઈને છેલ્લા 6 મહિનામાં તેને કારણે આશરે 2 લાખનું નુકશાન અને પેઢીની શાખને નુકશાન સહન કરવું પડયું.
દેશવ્યાપી કૌભાંડ છતાં પોલીસની તપાસમાં ઢીલી નીતિ
દેવ ઇમ્પેક્ષ નામે પેઢી ચલાવતા પ્રદીપભાઈ રૂપાપરાએ ડિલેવરી કંપનીના બન્ને કર્મચારીઓને રંગેહાથ પકડવા માટે સ્ટિંગ ઓપરેશન કરી વિડીયો રેકોડિંગ સાથે આ કૌભાંડનો ભાંડો ફોડયો અને આ મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ કરી જોકે પોલીસે અરજી લઈ સંતોષ માન્યો અને ડિલેવરી કંપનીના કર્મચારી અને પાર્સલ લઈ જતી વેનનો ચાલકને બોલાવી પૂછપરછ કરતાં બન્નેએ કરેલા કારસ્તાનની પોલીસ સમક્ષ કબૂલાત પણ આપી પરંતુ આ મામલે તાલુકા પોલીસ દ્વારા કોઈ ગુનો નોંધી આ દેશવ્યાપી કૌભાંડમાં ઢીલી નીતિ રાખી ડિલેવરી કંપનીના કર્મચારી અને પાર્સલ લઈ જતી વેનનો ચાલક સામે કોઈ પગલાં પણ હજુ સુધી ભર્યા નથી. આ બન્ને શખ્સોએ કિચનવેર પ્રોડક્ટસ જ નહિ અન્ય કંપનીની મોંધી વસ્તુ બારોબાર વહેચી નાખી હોવાની શંકા છે. જો તાલુકા પોલીસ આ મામલે બન્નેની પૂછપરછ કરે તો મોટું રેકેટ બહાર આવે તેવી શક્યતા છે.