4થી માર્ચે યોજાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ
વિવિધ 14 વિદ્યાશાખાના 42,677 વિદ્યાર્થીઓને એનાયત થશે ડિગ્રી
અગાઉ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંઘના નિધનને પગલે મુલતવી રહેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ હવે આગામી તા.4 માર્ચના રોજ યોજાશે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે રાજ્યપાલ અને શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર પદવીદાન સમારોહમાં વિવિધ 14 વિદ્યાશાખાના 42,677 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 59માં પદવીદાન સમારોહ અંગેની તારીખ જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત આગામી તા. 04-03-2025 ના રોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે પદવીદાન સમારોહ યોજવાનું જાહેર કર્યું છે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાનાર આ પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના 42,677 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.આ સમારોહમાં જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજની વિદ્યાર્થીની તારીકા રામચંદાણીને સૌથી વધુ ચાર ગોલ્ડ મેડલ અને ત્રણ પ્રાઈઝ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત 13 વિદ્યા શાખાના 109 વિદ્યાર્થીઓને 123 ગોલ્ડ મેડલ અને 138 વિદ્યાર્થીઓને 218 પ્રાઈઝ એનાયત કરવામાં આવશે.
વધુમાં પદવીદાન સમારોહમાં વિનયન વિદ્યાશાખાના 12231, શિક્ષણ વિદ્યાશાખાના 4155, વિજ્ઞાન વિદ્યાશાખાના 2285, કાયદા વિદ્યાશાખાના 1,994, તબીબી 1,787, વાણિજ્ય વિદ્યાશાખાના12,046, ગ્રામવિદ્યા વિદ્યાશાખાના 138, ગૃહવિજ્ઞાન વિદ્યાશાખાના 223, હોમીયોપેથી વિદ્યાશાખાના 630, બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના 2061, આર્કિટેક્ચર વિદ્યાશાખાના 76, હ્યુમિનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સના 636, કોમ્પ્યુટર સાયન્સ વિદ્યાશાખાના 3,723 અને લાઈફ સાયન્સ વિદ્યાશાખાના 645 સહિત કુલ મળી 42,677 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.નોંધનીય છે કે, નવા કુલપતિ ઉત્પલ જોશી માટે આ પ્રથમ કાર્યક્રમ હોવાથી તમામ કમિટીઓ તૈયારીમાં કામે લાગી ગઈ છે.