સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ઇન્ચાર્જ કુલપતિથી જ વહીવટ ચાલશે
આજથી આચાર સંહિતા અમલી બની રહી હોય હવે લોકસભા ચૂંટણી બાદ નવા કુલપતિની નિમણુંક થશે : ભાવનગર પાટણમાં કુલપતિની નિમણુંક, પાંચમા બાકી
રાજકોટ : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેવી કુલપતિઓની નિમણુંક અંગેના હુકમો કર્યા છે જે અંતર્ગત ભાવનગર અને પાટણ યુનિવર્સીટીમાં બે નિયુક્તિ કરવામાં આવી છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સહીત પાંચ યુનિવર્સીટીઓનું કોકડું હજુ ગૂંચવાયેલ હોય હવે લોક્સભા ચૂંટણી બાદ જ કાયમી કુલપતિની નિમણુંક થાય તેવી સ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ઇન્ચાર્જ કુલપતિથી જ વહીવટ ચલાવવામાં આવે તેમ હોવાનું સ્પષ્ટ બન્યું છે.
રાજ્યમાં કોમન યુનિવર્સીટી એક્ટ લાગુ થયા બાદ શિક્ષણ વિભાગ દ્વારા ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ તરીકે એલ.એમ. ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ ડો.મહેશ છાબરિયાની નિમણૂક કરવાની સાથે ઉત્તર ગુજરાતની હેમચન્દ્રાચાર્ય યુનિવર્સીટી પાટણના કુલપતિ તરીકે સુરતની વીર નર્મદ યુનિવર્સીટીના ફિઝિક્સ વિભાગના હેડ પ્રો. કિશોરકુમાર પોરિયાની નિમણૂક કરવામાં આવી છે. આગામી પાંચ વર્ષ અથવા તો 60 વર્ષ પૈકી જે પહેલા આવે તે પ્રકારે મુદત પૂરી ગણવામાં આવશે. સામાન્ય રીતે અત્યાર સુધી કુલપતિની મુદત ત્રણ વર્ષની હતી, પરંતુ કોમન એક્ટ લાગુ કર્યા પછી દરેક યુનિવર્સિટીમાં કુલપતિની મુદત પાંચ વર્ષની કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કચ્છ યુનિવર્સીટીમાં મોહન પટેલ અને એસ.પી. યુનિવર્સીટીમાં નિરંજન પટેલની નિમણૂક કરાઈ હતી. આ સાથે જ કુલ ચાર યુનિ.માં કુલપતિની નિમણૂક કરવામાં આવી છે. આગામી દિવસોમાં ડો.બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, જૂનાગઢ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સીટી અને ટીચર્સ યુનિવર્સીટીમાં કુલપતિની નિમણૂક કરવા કાર્યવાહી ચાલુ છે. જો કે આજથી આચારસંહિતા અમલી બનનાર હોય ઉક્ત પાંચેય યુનિવર્સીટીમાં કાર્યકારી કુલપતિથી જ વહીવટ ચલાવવામાં આવે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.