સત્ય-પ્રેમ-કરુણા: રામકથાને `વધાવવા’ રાત-દિવસ તૈયારી
૧૨ વર્ષ પછી રાજકોટના આંગણે મોરારિબાપુ કરશે કથા: રોજ ૪૫થી ૫૦,૦૦૦ લોકો કરશે કથાશ્રવણ સાથે લેશે ભોજનપ્રસાદ
તૈયારીમાં ક્યાંય કચાશ ન રહી જાય તે માટે સદ્ભાવના વૃદ્ધાશ્રમ ટીમની ચીવટતાપૂર્વક કામગીરી
બે લાખ ચોરસફૂટ જગ્યામાં ત્રણ જર્મન ડોમ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં: ૧૬૨૦૦ ચોરસફૂટનું રસોડું: ૧૫૦૦ ફોર-વ્હીલર, ૧૫,૦૦૦ ટુ-વ્હીલરનું થઈ શકશે પાર્કિંગ

૨૩ નવેમ્બરથી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં પ્રખર રામાયણી પૂ.મોરારિબાપુની રામકથા યોજાવાની છે તેને લઈને રાત-દિવસ પૂરપાટ તૈયારીઓ ચાલી રહી છે. ૧૨ વર્ષના લાંબા સમયગાળા બાદ રાજકોટમાં રામકથા યોજાઈ રહી હોય તેને વધાવી લેવા માટે રાજકોટ જ નહીં બલ્કે આખું ગુજરાત આતૂર છે. આ કથામાં ક્યાંય પણ કચાશ ન રહી જાય અને શ્રોતાઓને નાની અમથી તકલીફ ન પડે તે માટે સદ્ભાવના વૃદ્ધાશ્રમ ટીમની ચીવટતાપૂર્વક કામગીરી ચાલી રહી છે. આ રામકથા ૩૦૦ કરોડના માતબર ખર્ચે જામનગર રોડ પર રામપર ખાતે ૧૧ માળના ૭ નવા બિલ્ડિંગનો વિશાળ વૃદ્ધાશ્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે તેના લાભાર્થે યોજાઈ રહી છે.

રામકથામાં શ્રોતાઓ આરામથી બેસીને કથાનું શ્રવણ કરી શકે તે માટે બે લાખ ચોરસફૂટ જગ્યામાં ત્રણ જર્મન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેમાં ૪૫થી ૫૦,૦૦૦ લોકો બેસી શકશે. જ્યારે મુખ્ય સ્ટેજ ૫૨ બાય ૪૦ ચોરસફૂટનો તૈયાર કરવામાં આવ્યો છે જેમાં મોરારિબાપૂના કટઆઉટ મુકવામાં આવ્યા છે. કથા પૂર્ણ થયા બાદ શ્રોતાઓ આરામથી ભોજનપ્રસાદ લઈ શકે તે માટે ૯૦ બાય ૧૮૦ ચોરસફૂટ જગ્યામાં રસોડું તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં પ્રસાદ બનાવવામાં આવશે. ભોજન મંડપ ૯૦ બાય ૫૦૦ ચોરસફૂટનો બનાવાયો છે જેના બે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને અહીં વાહન પાર્કિંગને લઈને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે ૧૫૦૦ જેટલી કાર તેમજ ૧૫,૦૦૦ ટુ-વ્હીલરનું પાર્કિંગ થઈ શકે તેવી વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે.
