બુધવારથી સાંઢિયા પુલ બંધ: વાહનોના ‘ફોગટફેરા’ શરૂ
હોસ્પિટલ ચોકથી માધાપર ચોકડી સુધી ટુ-વ્હીલર સિવાયના તમામ વાહનો માટે વન-વે રહેશે
પુલની બાજુમાં બનેલા સર્વિસ રોડ પર માત્ર ટુ-વ્હીલર જ ચાલી શકશે
થ્રી-વ્હીલર, કાર, એમ્બ્યુલન્સે રેલનગરથી પોપટપરા અને ત્યાંથી રેલવે સ્ટેશન થઈને હોસ્પિટલ ચોક પહોંચવાનું રહેશે
અંદાજે ૫૦ વર્ષથી વધુ જૂના એવા જામનગર રોડના સાંઢિયા પુલને તોડવાનું ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે ત્યારે બુધવારથી પુલ ઉપર વાહનોની અવર-જવર બંધ કરતું જાહેરનામું પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. એકંદરે બુધવારથી વાહનોના
‘ફોગટફેરા’ શરૂ થઈ જશે તેવો ટોણો પણ લોકો મારી રહ્યા છે.
પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે હોસ્પિટલ ચોકથી માધાપર ચોકડી તરફ ટુ-વ્હીલર, વાહનો, કાર, એમ્બ્યુલન્સ સહિતના લાઈટ વેઈટ વ્હીલ વાહનો હોમ ફોર બોયઝ (પેટ્રોલ પંપ)થી ભોમેશ્વર મંદિર અને ત્યાંથી જામનગર રોડ તરફ જઈ શકશે. અહીં ટી-વ્હીલર સિવાયના તમામ વાહનો માટે વન-વે રહેશે.
જ્યારે માધાપર ચોકડીથી હોસ્પિટલ ચોક તરફ ફક્ત ટુ-વ્હીલર વાહનો ભોમેશ્વર મંદિરથી હોમ ફોર બોયઝ (પેટ્રોલ પંપ)થી હોસ્પિટલ ચોક તરફ, થ્રી વ્હીલર, કાર, એમ્બ્યુલન્સ જેવા વાહનો રેલનગર અન્ડરબ્રિજથી રેલનગર મેઈન રોડ અને ત્યાંથી પોપટપરા મેઈન રોડથી પોપટપરા નાલામાંથી પસાર થઈને રેલવે સ્ટેશન મેઈન રોડ ઉપર અને ત્યાંથી હોસ્પિટલ ચોક તરફ જઈ શકશે. આ ઉપરાંત માધાપર ચોકડીથી ૧૫૦ ફૂટ રિંગરોડથી રૈયા ચોકડી અને ત્યાંથી રેસકોર્સ થઈ હોસ્પિટલ ચોક તરફ જઈ શકશે.
થ્રી-વ્હીલર તેમજ કાર જેવા વાહનો માટે એરપોર્ટ બગીચા (રેલનગર અન્ડરબ્રિજ ચોક)થી ભોમેશ્વર રોડ તરફ જવા માટે પ્રવેશ બંધ રહેશે. તમામ એસ.ટી.બસ માધાપર ચોકડીથી રૈયા ચોકડી અને ત્યાંથી આમ્રપાલી અન્ડરબ્રિજ થઈ એસ.ટી.બસ પોર્ટ સુધી જઈ શકશે.
ભારે વાહનો અને પ્રાઈવેટ લકઝરી બસ માટે પ્રવેશબંધીના સમય સિવાય-બાદ માધાપર ચોકથી રૈયા ચોકડી અને ત્યાંથી આમ્રપાલી અન્ડર બ્રિજ પરથી અવર-જવર કરી શકશે.