સાંઢિયા પુલ નિર્માણ આડેની અડચણ દૂર
ડાયવર્ઝન માટે ભોમેશ્વર મંદિર ટ્રસ્ટે જગ્યા આપવા સહમતી દાખવતાં જ કામ આગળ વધ્યું: જગ્યાના બદલામાં ભાડું ચૂકવવા
મહાપાલિકાની તૈયારી
જ્યાંથી દરરોજ હજારો વાહન પસાર થાય છે તે જામનગર રોડ પરના સાંઢિયા પુલને ફોર-લેન બનાવવાનું કામ ઘણા સમયથી આગળ વધવાનું નામ લઈ રહ્યું ન્હોતું. અગાઉ રેલવે સાથે પૈસાની લેતીદેતી બાબતે મડાગાંઠ સર્જાયા બાદ તેનો માંડ માંડ ઉકેલ આવ્યો હતો. આ પછી પુલનું કામ શરૂ થાય તો ડાયવર્ઝન આપવું પડે તો ક્યાંથી આપવું તેની વિચારણા શરૂ થઈ હતી જેના અંતે ભોમેશ્વર મંદિર પાસેથી ડાયવર્ઝન આપી શકાય તેવું નક્કી થયું હતું. જો કે જગ્યા આપવા માટે મંદિર ટ્રસ્ટે ઈનકાર કરતાં ફરી કોકડું ગુંચવાયું હતું. આ પછી ફરી બેઠકોનો ધમધમાટ થયો હતો જે બાદ ટ્રસ્ટે જમીન આપવાની મંજૂરી આપતા જ ચાલું સપ્તાહે સાંઢિયા પુલના નિર્માણનું ટેન્ડર પ્રસિદ્ધ જશે તેવું જાણવા મળી રહ્યું છે.
આ અંગે મહાપાલિકાના સિટી ઈજનેર કોટકે જણાવ્યું કે ભોમેશ્વર મંદિર ટ્રસ્ટે ડાયવર્ઝન માટે જમીન આપવાની મંજૂરી આપી છે. મહાપાલિકા દ્વારા ટ્રસ્ટને જમીનના બદલામાં જમીન અથવા તો જ્યાં સુધી કામ ચાલે છે ત્યાં સુધી ભાડું ચૂકવવા સહિતના વિકલ્પ આપ્યા હતા જેમાંથી ટ્રસ્ટે ભાડું વસૂલવાની દિશામાં તૈયારી દર્શાવી છે. જો કે આ અંગે ટૂંક સમયમાં મ્યુનિ.કમિશનર સાથે વાટાઘાટ કર્યા બાદ ફાઈનલ નિર્ણય લેવાઈ જશે અને તે થયા બાદ ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવાશે. આ સઘળી કાર્યવાહી ચાલું સપ્તાહે જ પૂર્ણ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
સર્વેશ્વર ચોક દૂર્ઘટના બાદ શિવમ કોમ્પલેક્સનું રિપેરિંગ કામ શરૂ
સિટી ઈજનેરે જણાવ્યું કે સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ તૂટી પડ્યા બાદ શિવમ કોમ્પલેક્સના વપરાશની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. સૌથી પહેલાં કોમ્પલેક્સનો સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવવા તાકિદ કરાઈ છે જે આવી ગયા બાદ બિલ્ડિંગ વપરાશ માટે સુરક્ષિત છે કે નહીં તેનો ખ્યાલ આવી શકશે. જો કે સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા રિપોર્ટ માટે બિલ્ડિંગનું રિપેરિંગ કામ જરૂરી હોવાનું જણાવતાં જ એસો. દ્વારા રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે જે પૂર્ણ થયા બાદ રિપોર્ટ આપવામાં આવશે અને ત્યારપછી જ બિલ્ડિંગ ખોલવા દેવું કે નહીં તેનો નિર્ણય લેવાશે.