ફરાળી લોટ, પેટીસ, ખાખરાના નમૂના લેવાયા: રિપોર્ટ શ્રાવણ મહિના પછી આવશે !
ખાણીપીણીના ૪૧ ધંધાર્થીને ત્યાં ચેકિંગ કરાયું ૨૦ પાસે લાયસન્સ ન મળ્યું; કાર્યવાહીના નામે માત્ર નોટિસ ફટકારાઈ
પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે તેમાં ફરાળી વાનગી આરોગવાની પરંપરા હોવાથી તેનું વેચાણ અને ધંધાર્થીઓની સંખ્યામાં વધારો થતો હોય છે. બીજી બાજુ ફરાળીના નામે ભેળસેળયુક્ત વાનગી પીરસવામાં આવતી હોવાના કિસ્સા પણ બન્યા હોવાથી આ દિશામાં ચેકિંગ કરાઈ જ રહ્યું છે.
દરમિયાન ફૂડ શાખાએ ત્રણ સ્થળેથી ફરાળી લોટ, પેટીસ, ખાખરાના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા. જો કે આ વાનગીમાં કોઈ પ્રકારની ભેળસેળ હતી કે કેમ તેની જાણ છેક શ્રાવણ મહિના બાદ થવા પામશે !
ફૂડ શાખા દ્વારા લીંબુડીવાડી મેઈન રોડ પર ગોલ્ડન સુપર માર્કેટમાં શ્રી વેલ બેક્ડ ફરાળી ખાખરા, તલોટ ફરાળી લોટ તેમજ ગાંધીગ્રામમાં એસ.કે.ચોક મેઈન રોડ પર આવેલા ઠક્કર ગૃહ ઉદ્યોગમાંથી ફરાળી પેટીસનો નમૂનો લેવામાં આવ્યો હતો.
આ સિવાય રૈયા રોડ પર ચંદન પાર્કમાં ધ્વનિ એન્ટરપ્રાઈઝમાંથી રામદેવ ચીલી પાઉડર તેમજ રૈયા રોડ પર માધવ વાટિકામાં બર્ગેરિટો ફાસ્ટ ફૂડમાંથી સોહમ રેસમ કાશ્મીરી ચીલી પાઉડરના નમૂના લઈને તેને પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
દરમિયાન મુંજકા ગામ તેમજ પુનિતનગર મેઈન રોડ પર ખાણીપીણીનું વેચાણ કરતાં ૪૧ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી ૨૦ પાસે લાયસન્સ ન હોવાનું ધ્યાન પર આવતાં તમામને નોટિસ ફટકારવામાં આવી હતી.