કાલાવડ રોડ પર નકલંક ટી-સ્ટોલ-રિંગરોડ પર ટી-પોસ્ટમાંથી ચાના નમૂના લેવાયા
વૉઈસ ઑફ ડે’ના અહેવાલ બાદ આખરે ફૂડ શાખાને ત્રાટકવાનું સૂઝ્યું !
દરરોજ હજારો લીટર ચાનું વેચાણ કરતી બે દુકાનોમાં દરોડો પડતાં ભેળસેળીયા તત્ત્વોમાં ફફડાટ: બન્ને સ્થળેથી ચાની ભૂકીના પણ નમૂના લેવાયા
રેલવે જંકશન પાસે ૨૦ ધંધાર્થીમાંથી ૮ પાસે લાયસન્સ ન્હોતુ: યાજ્ઞિક રોડ પર ડી.એન.એસ.માંથી એક્સપાયર થયેલી ખાદ્યવસ્તુનો જથ્થો મળ્યો
રાજકોટ મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા ખાણીપીણીની લગભગ દરેક વસ્તુના નમૂના લેવામાં આવી રહ્યા હતા પરંતુ વર્ષમાં માંડ એકાદ વખત ચાના સેમ્પલ લેવામાં આવી રહ્યા હોય આ બાબતે વૉઈસ ઑફ ડે' દ્વારા કાન આમળવામાં આવ્યો હતો.
વૉઈસ ઑફ ડે’ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતાંની સાથે જ આખરે ફૂડ શાખાએ શહેરમાં દરરોજ જ્યાંથી હજારો લીટર ચાનું વેચાણ થઈ રહ્યું છે તેવી બે મોટી દુકાન-હોટેલો ઉપર દરોડો પાડીને તૈયાર ચા તેમજ ચાની ભૂકીના નમૂના લઈ તેને પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા છે.
ફŸડ શાખાએ રેસકોર્સ રિંગરોડ પર એ.જી.ઑફિસની બાજુમાં ક્રિસન્ટ એપાર્ટમેન્ટ બી-૪માં આવેલી એસ.વી.એન્ટરપ્રાઈઝ (ટી-પોસ્ટ)માંથી ચાની ભૂકી (લૂઝ) તેમજ તૈયાર ચા ઉપરાંત કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે અમીવર્ષા કોમ્પલેક્સમાં દુકાન નં.૫ કે જે નકલંક ટી-સ્ટોલના નામે ઓળખાય છે ત્યાંથી ચાની ભૂકી અને તૈયાર ચાના નમૂના લેવામાં આવ્યા હતા. અત્રે એ વાત પણ નોંધનીય છે કે `વૉઈસ ઑફ ડે’ દ્વારા શહેરમાં ઘણીખરી જગ્યાએ વેચાતી ચા કે જેને રકાબીમાં કાઢ્યા બાદ થોડી વાર મુકી દીધા બાદ જોવામાં આવે તો તેમાં અલગ પ્રકારની ઝાંય (તર) જોવા મળતાં તે વાત શંકાસ્પદ હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી એટલા માટે આ પ્રકારનું ચેકિંગ જરૂરી બની ગયું હતું.
આ ઉપરાંત મહાપાલિકા દ્વારા યાજ્ઞિક રોડ પર ડેઝર્ટ એન્ડ સ્નેક્સ પાર્લરમાં ચેકિંગ કરવામાં આવતાં તેના દ્વારા ૨૦ લીટર દૂધ કે જે એક્સપાયર થઈ ગયું હતું તે મળી આવતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો સાથે સાથે પેઢીને યોગ્ય સ્ટોરેજ, ચોખ્ખાઈ જાળવવા તેમજ લાયસન્સ અંગે નોટિસ ફટકારાઈ હતી.
જ્યારે રેલવે જંક્શન સામેના વિસ્તારમાં ખાણીપીણી જેવી કે ગાંઠિયા, કોલ્ડ્રીંક્સ, પરોઠા, પાન સહિતનું વેચાણ કરવામાં આવતું હતું તેવા ૨૦ ધંધાર્થીને ત્યાં ચેકિંગ કરતાં ૮ પાસે લાયસન્સ ન હોવાનું ખુલતાં તમામને લાયસન્સ તાકિદે લઈ લેવા નોટિસ અપાઈ હતી.
ડી.એચ.કોલેજ પાસેના ચા-વાળા'ને ત્યાં પણ ચેકિંગનો એક રાઉન્ડ જરૂરી મહાપાલિકાની ફૂડ શાખાએ કાલાવડ રોડ પર નકલંક અને રિંગરોડ પર એસ.વી.એન્ટરપ્રાઈઝ (ટી-પોસ્ટ)માં દરોડો પાડીને ચા તેમજ ચાની ભૂકીના નમૂના લીધા બાદ લોકો એવું પણ જણાવી રહ્યા છે કે ડી.એચ.કોલેજ પાસે ચાની મસમોટી હોટેલ ધરાવતાં
ચા-વાળા’ને ત્યાં પણ આ પ્રકારે એક ચેકિંગનો રાઉન્ડ જરૂરી છે. અહીં નાસ્તાનું પણ વેચાણ થતું હોય કોઈ અખાદ્ય સામગ્રી તો નથી પીરસાઈ રહી ને તેની ખરાઈ કરવામાં આવે તે આજના સમયની માંગ છે.
એકાદ-બેને ત્યાં જ કેમ ? `સાગમટે’ ચેકિંગ શા માટે નહીં ?
રાજકોટમાં ચાની નાની-મોટી ૨૦૦થી ૩૦૦ હોટેલો, રેંકડી, દુકાનો આવેલી છે ત્યારે ફૂડ શાખા દ્વારા માત્ર એકાદ-બેને ત્યાં જ શા માટે ચેકિંગ કરવામાં આવ્યું છે, એક સાથે દરોડા કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેવા સવાલો પણ લોકમુખે ઉઠવાનું શરૂ થઈ જતાં હવે મોટાપાયે ચેકિંગ કરવામાં આવે છે કે કેમ તે આવનારો સમય બતાવશે.
ચા બનાવવા માટે વપરાતાં દૂધનો પણ અલગથી નમૂનો લેવો જોઈએ
શહેરીજનોએ પોતાનો મત વ્યક્ત કરતાં જણાવ્યું કે ફૂડ શાખાએ ચા તેમજ ચાની ભૂક્કીના નમૂના લીધા છે તે આવકારદાયક વાત છે ત્યારે હવે ચા બનાવવા માટે વપરાતા દૂધનો પણ અલગથી નમૂનો લેવો જોઈએ કેમ કે દૂધમાં પણ ભેળસેળ થઈ રહ્યાની આશંકા નકારી શકાતી નથી.