સમરસ હોસ્ટેલ રામ ભરોસે : ભોજન કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાકટરને ચાર-ચાર નોટિસ
મહિને લાખોના ચુકવણા છતાં 900થી વધુ વિદ્યાર્થીનીઓ અને 1000 જેટલા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે પ્રશ્નાર્થ
રાજકોટ : રાજકોટ શહેરમાં યુનિવર્સટી નજીક આવેલ ગુજરાત સરકારની સમરસ છાત્રાલય સોસાયટી સંચાલિત ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ છાસવારે વિવાદમાં આવે છે ત્યારે સમરસ છત્રાલયમાં ભોજન કોન્ટ્રાકટ ધરાવતી પેઢી ભોજનમાં લોટ,પાણીને લાકડા જેવી નીતિ અપનાવતી હોવાથી સમરસ છાત્રાલયની લોકલ મેન્જમેન્ટ સમિતિ દ્વારા ભોજનની ફરિયાદોને લઇ પ્રમુખ જનરલ ટ્રેડર્સ નામની કોન્ટ્રાકટર પેઢીને છેલ્લા બે મહિનામાં ચાર-ચાર નોટિસો ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જો કે, સમરસ છત્રાલયમાં ખાસ ફરજ ઉપર મુકવામાં આવેલ સમાજ કલ્યાણ વિભાગના બબ્બે અધિકારીઓ કોન્ટ્રાકટરની તરફેણ કરી ભોજનમાં ચાલતી લોલમલોલ છુપાવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ગુજરાતના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સમરસ હોસ્ટેલની યોજના શરૂ કરી છે. જેમાં રાજ્યના છ મહાનગરોમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે નિવાસી તેમજ ભોજન સહિતની સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવાની સાથે છાત્રોને ભોજન માટે મહિને એક એક હોસ્ટલમાં 20થી 22 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ રાજકોટ ગ્રામ્ય બેઠક ઉપરથી ચૂંટાયેલા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાના ઘરઆંગણે ચાલતી રાજકોટની સમરસ હોસ્ટેલમાં દીકરીઓને સવારના પૂરતો નાસ્તો મળતો ન હોવાની સાથે ભોજનમાં જીવાત નીકળવી, ભોજન પૂરતા પ્રમાણમાં ન મળવું, સ્વાદ હીન રોટલી, છત્રાલયમાં પાણીની અગવડતા સહિતના પ્રશ્નો અંગે અવાર -નવાર ફરિયાદો ઉઠે છે ત્યારે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે જેમાં સમરસ હોસ્ટેલના ભોજન કૉન્ટ્રાક્ટર ગાંધીનગરના પ્રમુખ જનરલ ટ્રેડર્સને અનિયમિતતા અને ક્ષતિઓ બદલ રાજકોટ લોકલ મેનેજમેન્ટ સમિતિ દ્વારા છેલ્લા બે મહિનામાં જ ચાર – ચાર વખત નોટિસ ફટકારવામાં આવી છે છતાં છાત્રોને મળતા ભોજનમાં કોઈ સુધારાલક્ષી પરિણામ ન આવ્યું હોવાનું છાત્રો આરોપ લગાવી રહ્યા છે.
સમરસ છાત્રાલય સોસાયટી રાજકોટ સંચાલિત સમરસ છત્રાલયના ભોજન કોન્ટ્રાક્ટરને ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન તા. 18/07/2024, તા.22/07/2024, તા.17/09/2024 અને છેલ્લે તા. 24/09/2024ના રોજ નોટિસ ફટકારવામાં આવી છે. જો કે, સમરસ હોસ્ટેલના સંચાલન કરતા હરેશ ચાવડા દ્વારા ઉપરી અધિકારીના આદેશ છતાં પ્રમુખ જનરલ ટ્રેડર્સના બચાવ માટે નોટિસો ફટકારવા અંગેની વિગતો તેમજ નોટિસના કારણો અંગે અત્યંત ગુપ્તતા રાખવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે.
સમરસમાં કોર્પોરેશનનો ફૂડ વિભાગ નમૂના નથી લેતો
રાજકોટ શહેરના યુનિવર્સીટી રોડ ઉપર યુનિવર્સીટી કેમ્પસ નજીક જ આવેલ સમરસ છાત્રાલયમાં દરરોજ અંદાજે 1800થી 2000 વિદ્યાર્થીઓ ભોજન લેતા હોવા છતાં પણ ક્યારે રાજકોટ મહાનગર પાલિકાની ફૂડ શાખાએ કે ફૂડ એન્ડ ડ્રગ્સની કચેરી દ્વારા ક્યારેય નમૂના લેવામાં આવતા નથી હકીકતમાં આટલી મોટી સંખ્યામાં જ્યાં વિદ્યાર્થીઓને ભોજન પીરસવામાં આવતું હોય ત્યાં નિયમિત પણે ભોજનની ગુણવતા તંત્રએ ચકાસવી જોઈએ પણ સમરસના કિસ્સામાં એવું બન્યું નથી.
ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં વર્ષોથી એકના એક જ અધિકારી
ગુજરાત સરકારના તમામ વિભાગોમાં દર ત્રણ વર્ષે અધિકારીઓની બદલી કરવામાં આવે છે પરંતુ રાજકોટ સમરસ છત્રાલયમાં ગર્લ્સ અને બોયઝ વિભાગમાં છેલ્લા ચારેક વર્ષ કરતા વધુ સમયથી એકના એક જ અધિકારીઓ એકચક્રી શાસન ચલાવી રહ્યા છે, ઉપરાંત બન્ને વિભાગના વડાઓ પણ અલગ અલગ હોવાની સાથે બોયઝ હોસ્ટેલના વડા ઇન્ચાર્જ હોય સમરસ હોસ્ટેલમાં રામના રાજ જોવા મળી રહ્યા છે.
ખાનગીમાં થાય છે ભોજનની ગુણવતાના ટેસ્ટ
સમરસ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન કોન્ટ્રાકટ ધરાવતા કોન્ટ્રાક્ટરને મહિનામાં એક વખત ભોજનના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવાના હોય છે જો કે, પ્રમુખ જનરલ ટ્રેડર્સ ગાંધીનગર દ્વારા ખાનગી લેબોરેટરીમાં દરમહિને પોતાની રીતે રીતે નમૂના મોકલવામાં આવતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, આ ઉપરાંત પ્રમુખ જનરલ ટ્રેડર્સ દ્વારા ગર્લ્સ હોસ્ટેલ પેટા કોન્ટ્રાક્ટરને ભાડે ચલાવવા આપી દીધાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.