સાગઠીયાએ યુનિવર્સીટીને પણ ન છોડી ! 30 કરોડની સરકારી જમીન બિલ્ડરને ભેટમાં આપી
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની સરકારી જમીનમાં ખડકી દેવાયા લક્ઝુરિયસ ફ્લેટ
સરકારે ફાળવેલી જમીનમાં ટીપી સ્કીમનો અમલ ન કરી શકાતો હોવા છતાં રૈયા ટીપી સ્કીમ નંબર-16માં 1844 વાર જગ્યા અંતિમખંડની બતાવી બટુકલાલ દામજીભાઈ ચપલાને ફાળવી દીધી
રાજકોટ : ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગર પાલિકાના ભ્રષ્ટાચારી ટાઉન પ્લાનર મનસુખ સાગઠીયાના એક પછી એક કાંડ બહાર આવી રહ્યા છે અને એસીબીએ કિલો મોઢે સોનુ અને રોકડ જપ્ત કર્યા છે ત્યારે સોનાની ખાણ જેવા ભ્રષ્ટાચારી સાગઠીયાએ જમીન ફાળવણીમાં ઘાલમેલ કરી હોદાનો ગેરફાયદો મેળવી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને રાજ્ય સરકારે ફાળવેલી જમીનને પણ ન છોડી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે, વર્ષ 2021માં મનસુખ આણી મંડળીએ સોદાબાજી કરી રૈયા ટીપી સ્કીમ નંબર-16માં કપાતમાં જતી જમીનના બદલામાં જમીન માલિકને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની સોનાની લગડી જેવી ગણાતી 1844 ચોરસવાર જગ્યા ફાળવી દેતા આ સરકારી જમીન ઉપર હાલમાં રાજકોટના નામાંકિત બિલ્ડરની એલએલપી કંપનીએ 11 માળના ફ્લેટ ખડકી દીધા હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની માલીકીની સરકારી જમીન હડપ કરી જવા મામલે યુનિવર્સટી દ્વારા બરાડા પાડી પાડીને મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ જિલ્લા ક્લેક્ટરથી લઈ મુખ્યમંત્રી સુધી ગુહાર લગાવવા છતાં સરકારી જમીન હડપ કરી જનાર સાગઠીયા કે બિલ્ડરો સામે કોઈ જ કાર્યવાહી થઇ નથી તેવામાં તા.10મીએ ફરી એકવખત સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ મ્યુનિસિપલ કમિશનરથી લઈ મુખ્યમંત્રી સુધી ધગધગતો પત્ર પાઠવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પાઠવવામાં આવેલ આ જીવતા બૉમ્બ સમાન પત્રની વિગત જોઈએ તો રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તા.૧૫-૦૭-૧૯૬૮ના ઠરાવ ક્રમાંક એલ. આર. એફ.૫૩૬૭-ખ.૨૫૬૯-ગ, દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મુંજકાના રે.સ.નં.૪૯ તથા રૈયાના રે.સ.નં.૩૧૮ પૈકીની ૪૦૯ એકર જમીન ફાળવેલ છે.જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીનની પૂર્વ હદે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ અને સરકાર દ્વારા મંજુર કરેલ ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં.૧૬ (રૈયા)ની બાઉન્ડ્રી આવેલી છે. આ ડ્રાફ્ટ ટી.પી.સ્કીમમાં સરકારી એવી યુનિવર્સીટીની જમીન નો સમાવેશ થતો ન હોવા છતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયાના રે.સ.નં.૨૩ના મૂળ ખંડ નં. ૨૭ના જમીન માલિકોને અંતિમ ખંડ નં.૨૭ માં યુનિવર્સિટીની માલિકીની અને કબજાની ૧૫૪૨ ચો.મી. જમીન તા.૨૭-૦૪-૨૦૨૧ના રોજ અત્રેની યુનિવર્સિટીને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર, એકતરફી રોજકામ કરીને કબજા ફેરફાર કરીને સોંપી આપેલ છે. જેના વિરોધમાં અને જરૂરી સ્પષ્ટતા માટે રાજકોટ મહાનગરપાલિકાને અનેક વખત રજુઆત કરી હોવાનું જણાવવામાં આવ્યું છે.
વધુમાં આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકાના જ પત્રથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીનનો સમાવેશ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં થતો ન હોવાનું જણાવવા છતાં પણ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ગત તા.૨૭-૦૪-૨૦૨૧ના રોજકામથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કબજાવાળી જમીન અંતિમ ખંડ નં.૨૭ના માલિકોને સોંપેલ છે. ત્યારે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ની કલમ ૬૮ અને તેના નિયમો નં.૩૩ મુજબ મંજુર ટાઉન પ્લાનિંગ સ્કીમમાં કબજા ફેરફારની કાર્યવાહી કરતી વખતે જે તે સંબંધિત આસામીઓને નોટિસ આપવાની હોય છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કોઈ પણ લેખિત જાણ કે નોટિસ આપવામાં આવેલ નથી.
યુનિવર્સીટીએ જિલ્લા કલેકટર સહિતને કરેલી રજુઆતમાં ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓનો ઉલ્લેખ કરી ટાઉન પ્લાનિંગ સ્કીમની અમલીકરણમાં અમલીકરણ કરનાર સંસ્થા એ અર્ધન્યાયિક પ્રક્રિયા અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવું ફરજિયાત જણાવી આ કિસ્સામાં જમીનનો કબજો બીજા આસામીને આપતી વખતે નિયમ પાલન વગર જ મનપાએ અંતિમખંડ નં.૨૭ના માલિકોને યુનિવર્સીટીની જાણ વગર, નોટિસ આપ્યા વગર જ સરકારી જમીનનો કબજો સોંપી આપેલ છે સાથે જ અંતિમ ખંડ નં.૨૭ના માલિકોએ યુનિવર્સીટીની જમીનની બાઉન્ડ્રી પર આશરે ૧૦૪.૯૮ રનિંગ મીટરની સરકારી ગ્રાન્ટથી બનાવેલ આર.સી.સી. કંપાઉન્ડ વોલ તોડી પાડીને પેશકદમી કરેલ હોવાનું પણ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ ફોટોગ્રાફી સહિતના પુરાવા સાથે રજુઆતમાં કરી તાકીદે સરકારની માલિકીની આ જગ્યા પરત અપાવવાની સાથે યુનિવર્સીટીની દીવાલમાં કરવામાં આવેલ નુક્શાનીનું વળતર વસુલ કરવા પણ માંગ કરવામાં આવી છે.આ સંજોગોમાં જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.
ફટાફટ લક્ઝુરિયસ ફ્લેટ નિર્માણ થઇ ગયા
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની માલિકીની અંદાજે 30 કરોડથી વધુની કિંમતી 1844 ચોરસવાર સરકારી જમીન મહાકૌભાંડી ટાઉન પ્લાનર સાગઠીયાએ ટીપી સ્કીમમાં કપાતમાં ગયેલી જગ્યાના બદલામાં ફાળવી દઈ કૌભાંડ આચાર્યના ટૂંકા સમયમાં જ સરકારીની માલિકીની જગ્યા ઉપર હાલમાં દિવસરાત લક્ઝુરિયસ ફ્લેટનું કામ ધમધમી રહ્યું છે અને જો જિલ્લા કલેકટર અને કમિશનર સહિતના અધિકારીઓ જાગૃત બની સત્વરે પગલાં નહીં ભરે તો આ બિલ્ડિંગના ફ્લેટો પણ ફટાફટ વેચી મારવામાં આવશે.