રૂપાલાએ રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભર્યુ, ક્ષત્રિયોને શું વિનંતી કરીને કહ્યુ..વાંચો
ક્ષત્રિયોના ઝંઝાવતી વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા આજે રાજકોટમાંથી ઉમેદવારી નોંધાવી દીધી છે. પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સવારે જાગનાથ મંદિર ખાતે દર્શન કર્યા હતા. જે બાદ તેમણે સમર્થન રેલી પણ યોજી હતી. જેમા તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા હતા.
રૂપાલાને આ રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ સાથ આપ્યો હતો. જે બાદ તેમણે જનમેદનીને સંબોધન પણ કર્યુ હતુ. આ સંબોધનમાં તેમણે ક્ષત્રિય સમાજને ભાજપ સાથે જોડાવવાની વિનંતી પણ કરી હતી.
રૂપાલાની ક્ષત્રિયોને વિનંતી?
જનમેદની સંબોધનમાં પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોને વિનંતી કરતા જણાવ્યુ છે કે, ‘મંચ પર ઉપસ્થિત ક્ષત્રિય સમાજના અમારા આગેવોનોનું પણ હૃદયપૂર્વક આભાર માનું છું. એમનો ધન્યવાદ માનું છુ. હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ વિનંતી કરવાના મતનો છું કે, અમારે આપ સૌના સાથની પણ જરૂર છે. દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવો એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.’
મત અભિયાનમાં જોડાવવાની અપીલ
પરશોત્તમ રૂપાલાએ સમર્થન રેલીમાં શક્તિ પ્રદર્શન કરીને સભાના સંબોધનમાં મત અભિયાનને પ્રચંડ વેગ આપવાનું પણ જણાવ્યુ હતુ. નોંધનીય છે કે, આ સંબોધન કાર્યક્રમમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ સંબોધનમાં રૂપાલાએ મત આપવાના અભિયાનમાં જોડાવવાની અપીલ કરી છે. આ સાથે તેમણે સભામાં ઉપસ્થિત લોકોનો નતમસ્તક થઇને આભાર માન્યો છે.
ક્ષત્રિયોની આંદોલનની ચીમકી
નોંધનીય છે કે, ભાજપે રાજકોટની બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેમના નિવેદન બાદ ક્ષત્રિયોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. રૂપાલાના આ નિવેદન બાદ ક્ષત્રિયો એક જ માંગ કરી રહ્યા છે કે, રાજકોટની બેઠકના ઉમેદવાર બદલવામાં આવે. જો ઉમેદવાર બદલવામાં નહીં આવે તો તેમણે આંદોલન પાર્ટ ટુની ચીમકી પણ આપી છે. ત્યારે આજે પરશોત્તમ રૂપાલા પર સૌ કોઇની નજર રહેશે.
