રૂપાલાએ પૂછ્યું,15 દી’માં ઉદ્ધાટન થઈ શકશે? એરપોર્ટ ડાયરેકટરે કહ્યું, હા
પી.એમ.ના હસ્તે એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરાવવા તંત્ર દ્વારા કવાયત:ડ્રિમ પ્રોજકટના લોકાપર્ણ માટે તારીખ મંગાઈ: સાંસદ પુરુષોત્તમ રૂપાલા, રામભાઈ મોકરિયા કમિટીના સભ્યોએ નિરીક્ષણ કર્યું
હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલના ઉદઘાટન માટે જો વડાપ્રધાન 15 દિવસમાં તારીખ આપે તો તૈયાર છીએ.. સાંસદ પુરુષોત્તમ રૂપાલાના આ પ્રશ્નના જવાબમાં રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ સહમતિ દાખવી છે કે, નવું બિલ્ડીંગ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે અને પખવાડિયામાં ઉદઘાટન કરવાનું થાય તો પણ આપણે તૈયાર છીએ..
ગુરુવારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એડવાઈઝરી કમિટી ની પ્રથમ વખત બેઠક મળી હતી જેમાં લોકસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને એડવાઈઝરી કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. કમિટીની પ્રથમ મીટીંગ બાદ નવા ટર્મિનલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં નવું બિલ્ડીંગ તૈયાર થઈ ગયો છે જેના ઉદ્ઘાટન માટે ઓથોરિટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. જો પી એમ માટે રાજકોટ આવશે કે કેમ કે પછી ઉદ્ઘાટન રિમોટ દ્વારા કરાશે એની માહિતી ટૂંક સમયમાં ઓથોરિટી જાહેર કરશે.
ગત સપ્તાહમાં એરપોર્ટ ઓથોરિટી દિલ્હીના ઉચ્ચ અધિકારીઓએ એરપોર્ટના નવા ટર્મિનલ ને સમીક્ષા કર્યા બાદ રિવ્યુ મીટીંગ કરી હતી અને થોડા સુધારા-વધારા માટેના સૂચનો આપ્યા હતા જે પણ હવે પૂરા થઈ ગયા છે આ ઉપરાંત હજુ સુધી વિદેશ માટેની કોઈ ફ્લાઈટ જાહેર નથી થઈ તેના લીધે ઈમિગ્રેશનની કામગીરી અટકેલી પડી છે.
એરપોર્ટ એડવાઈઝરી કમિટીમાં સાંસદ કેસરીદેવસિંહ ,વાંકાનેર ના ધારાસભ્ય જીતેન્દ્ર સોમાણી, રાજકોટ કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એરપોર્ટ ડિરેક્ટર બોરાહ, ચીફ એરપોર્ટ સિક્યુરિટી ઓફિસર અમનદીપ સિરસવા, ડોક્ટર પ્રકાશ મોઢા, મયુર શાહ, આદેશ ટ્રાવેલ્સના મેનેજિંગ ડિરેક્ટર ગોપાલ ઉનડકટ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રણવ ભાલાળા સહિતની નિમણૂક થઈ હતી આ નિમણૂક બાદ પ્રથમ વખત એડવાઈઝરીની મીટીંગ મળી હતી.