કેન્દ્રીય કેબિનેટમાંથી રૂપાલા અને રાજકોટનું પત્તુ કપાયુ
રાજકોટ 2016થી મંત્રીપદથી વંચિત છે : ડો. કથીરિયા અને મોહનભાઈ રાજ્યકક્ષાના મંત્રી હતા
નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં આ વખતે પરસોત્તમ રૂપાલાને સ્થાન મળ્યુ નથી. ગુજરાતમાંથી જે બે મંત્રીઓ પડતા મુકાયા છે તેમાં રૂપાલા ઉપરાંત દેવુસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. રૂપાલાને જયારે રાજકોટની ટીકીટ આપવામાં આવી ત્યારે માનવામાં આવતુ હતું કે, ઘણા લાંબા સમય પછી રાજકોટને કેન્દ્રીય કેબિનેટમાં સારું સ્થાન પ્રાપ્ત થશે પરંતુ લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રીય આંદોલન અને ત્યાર પછીના ઘટનાક્રમને લીધે રૂપાલાને સ્થાન આપવામાં આવ્યુ નથી તેવું માનવામાં આવે છે.
આ પહેલા મોદી મંત્રી મંડળમાં રાજકોટનું પ્રતિનિધિત્વ હતું અને મોહન કુંડારિયાને ૨૦૧૪માં રાજ્યકક્ષાનાં મંત્રી બનાવાયા હતા પરંતુ ત્યાર પછી થયેલા વિસ્તરણ વખતે જુલાઈ ૨૦૧૬માં પડતા મુકવામાં આવ્યા હતા. ૨૦૧૯માં તેમને ભાજપની ટીકીટ આપવામાં આવી હતી પરંતુ મંત્રીમંડળમાં સમાવેશ કરાયો ન હતો. આ પૂર્વે વાજપેયી સરકારમાં રાજકોટથી ચૂંટાયેલા ડો. વલ્લભભાઈ કથીરિયાને પણ મંત્રી બનાવવામાં આવ્યા હતા.
આ વખતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભાની ટીકીટ આપવામાં આવી હતી અને તેમનો મોદી 3:0 સરકારમાં સમાવેશ નિશ્ચિત માનવામાં આવતો હતો પરંતુ ચૂંટણી વખતે બનેલી ઘટનાથી મોવડી મંડળ તેમનાથી નારાજ છે તેવા અહેવાલો પણ આવ્યા હતા. નરેન્દ્ર મોદી જયારે સુરેન્દ્રનગરમાં સભા સંબોધવા આવ્યા ત્યારે પણ રૂપાલા ગયા ન હતા. આમ ક્ષત્રીય સંદર્ભે ઉભા થયેલા વિવાદને લીધે ભાજપને સહન કરવું પડ્યું છે તેવું સ્પષ્ટ માનવામાં આવે છે. આણંદ બેઠક ઉપરથી તાજેતરમાં જ ચૂંટાયેલા મિતેશ પટેલે પણ એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ક્ષત્રીય આંદોલનને લીધે અમારે બધાએ સહન કરવું પડ્યું છે.
કદાચ આવા કારણોસર આ વખતની મોદી કેબિનેટમાં રૂપાલાનો સમાવેશ કરવામાં આવ્યો નથી તેવી ચર્ચા છે.