શ્રોફ રોડ-કોલેજવાડીમાં છાપરું-દિવાલ તોડી પડાયા
બાલાજી લાઈફસ્ટાઈલ એપાર્ટમેન્ટના બીજા માળના ફ્લેટમાં છાપરું તોડી પડાયું
મહાપાલિકા દ્વારા પ્લોટ જ નહીં બલ્કે હવે ગલી-ગલીએ જઈને ગેરકાયદે બાંધકામ તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને મંગળવારે શહેરના અત્યંત પોશ એવા શ્રોફ રોડ પર છાપરા તેમજ કોલેજવાડી શેરી નં.૪માં દિવાલનું દબાણ તોડી પાડવામાં આવ્યા બાદ ગેરકાયદે બાંધકામ કરનાર તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. એક ચર્ચા પ્રમાણે શ્રોફ રોડ પર ગેરકાયદે છાપરાનું દબાણ થઈ ગયાની ફરિયાદ જિલ્લા સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં પહોંચતાં તાત્કાલિક આ દબાણ દૂર કરવામાં આવ્યું છે.

શહેરના વોર્ડ નં.૨માં શ્રોફ રોડ પર બાલાજી લાઈફ સ્ટાઈલ એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા ફ્લેટધારક દ્વારા ગેરકાયદે છાપરું બનાવી નાખવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉઠતાં જ મહાપાલિકાના સ્ટાફે આ છાપરું દૂર કર્યું હતું. આ જ રીતે વોર્ડ નં.૭માં કોલેજવાડી શેરી નં.૪, `સુશીલ નિવાસ’ની બાજુમાં ગેરકાયદે ચણાઈ ગયેલી દિવાલ પણ તોડી પાડવામાં આવી હતી.