RMCનું નવું ફારસ : જર્ક-લેસ ફૂટપાથ
આપણી ફૂટપાથો પર ચા ના તપેલા અને ધૂળ ચડેલી કારોના થપ્પા લાગેલા હોય એ દબાણ દૂર નથી કરવા પણ ફૂટપાથો દિવ્યાંગ માટે રિ-ડિઝાઈન કરવી છે
લેવલીંગ વગરના રસ્તા પર લાખો વાહનો અને વાહન ચલાવનારાં, બેયના સ્પેર પાર્ટ ઢીલાં પડતા જાય છે
RMCએ સમગ્ર પ્રજાને દિવ્યાંગજન ગણીને દયા ખાવી જોઈએ!
રાજકોટનું નાનું છોકરું પણ સમજે છે કે આવા સર્વે શેના માટે કરવામાં આવે છે.
થોડા દિવસ પહેલાં એક સમાચાર વાંચ્યા કે રાજકોટ મ્યુ. કોર્પોરેશને જર્મનીની એક સંસ્થા પાસે સર્વે કરાવ્યો કે રાજકોટની ફૂટપાથ પર બ્લાઈન્ડને ચાલવામાં કે દિવ્યાંગ લોકોને વ્હીલચેરમાં બેસાડીને ચલાવવામાં કેટલી તકલીફ પડે છે, અને એ તકલીફ દૂર કરવા ફૂટપાથની ડીઝાઈન ફરીથી બનાવવાનું નક્કી થયું.
આ એકદમ વાહિયાત સર્વે છે. TRP કાંડ બન્યાં બાદ રાજકોટનું નાનું છોકરું પણ સમજે છે કે આવા સર્વે શેના માટે કરવામાં આવે છે. અંતે તો મારા તમારા પરસેવાની કમાણીમાંથી જ આ બિલ ફાટવાનું છે. ટેકનિકલી, શા માટે આ સર્વે બોગસ છે, સમજો.
- પહેલી વાત કે, આપણે ફર્સ્ટ વર્લ્ડના દેશો જેવી સુવિધાઓ આપવી હોય તો પહેલાં આપણી પ્રાથમિકતા તપાસવી જોઈએ. આપણી ફૂટપાથો પર ચા ના તપેલા અને ધૂળ ચડેલી કારોના થપ્પા લાગેલા હોય એ દબાણ દૂર નથી કરવા પણ ફૂટપાથો દિવ્યાંગ માટે રિ-ડિઝાઈન કરવી છે. આ કન્સેપ્ટ જ વાહિયાત છે, બિનજરૂરી છે અને આ પ્રપોઝલમાં જ ભ્રષ્ટાચારની બૂ આવે છે.
2. બીજી વાત, શું RMCએ એ સર્વે કર્યો કે રાજકોટની કુલ વસ્તીના પ્રમાણમાં દિવ્યાંગજનો કેટલાં ટકા છે ? કદાચ 0.05 ટકા હશે ? હ્રદય પર હાથ રાખીને કહેજો, રાજકોટમાં તમે પોતે ગણીને કેટલાં અંધજનોને અત્યાર સુધીમાં ફૂટપાથ પર ચાલતા જોયાં છે? અત્યાર સુધીમાં કુલ કેટલાં લોકોને તમે દિવ્યાંગજનને વ્હીલચેર પર બેસાડીને ફૂટપાથ પર નીકળતાં જોયા છે?
3. હકીકતમાં, RMCએ ફૂટપાથો રિ-ડિઝાઇન કરવાની જરૂર નથી. લોકોને સુવિધા જ આપવી હોય તો એનાથી વધુ અગત્યના બીજાં ઘણાં આઈડિયા છે. દા. ત. 150 ફિટ રીંગ રોડ પર સરખો સર્વિસ રોડ બનાવવાને બદલે સાઇકલ-વે બનાવીને લોકોની મુશ્કેલી વધારી છે એનો ઉપાય વિચારે. (તત્કાલીન કમિશનર પોરસાઈને કહેતા કે અમે સાયકલ-way નો કોન્સેપ્ટ નેધરલેન્ડથી લાવ્યા છીએ) અરે મારા સાહેબ, આ નેધરલેન્ડનું શહેર નથી જ્યાં લોકો કાયદો ચુસ્ત રીતે પાલન કરતાં હોય, આપણી વસ્તી, ટ્રાફિકની સમસ્યા અને નિયમપાલનમાં લાપરવાહીની માનસિકતાવાળી પ્રજા પરથી ધડો લેવાય કે નેધરલેન્ડની સિસ્ટમથી પ્રેરણા લેવાય? વર્ષોથી આ સાઇકલ-way દબાણ ગ્રસ્ત છે, સર્વિસ રોડ ન હોવાને લીધે મુખ્ય માર્ગ પર વાહનો સમાતા નથી, મુખ્ય માર્ગ પર મજબૂરીથી રોંગ સાઈડમાં આવતા હોય છે, 150 રીંગ રોડ પર આવેલ આ સાઇકલ-way ની જગ્યાએ સર્વિસ રોડ કરી નાખે તો પ્રજાની ખૂબ મોટી હાલાકી દૂર થાય. પણ આ દૃશ્ય તંત્રને દેખાતું નથી. એમાં પણ સાહેબો આંખે પાટા બાંધીને જ બેઠાં છે!
- ઓકે, RMCએ લોકોનું ભલું જ કરવું છે ને? તો સૌથી પહેલાં આખા રાજકોટમાં રોડ લેવલથી ત્રણ-ત્રણ, ચાર-ચાર ઇંચ ઊંચા-નીચા મેનહોલ (ગટરના ઢાંકણા) છે એનું લેવલીંગ કરાવો! મુઠ્ઠીભર દિવ્યાંગજનોને જર્ક-લેસ ફૂટપાથ આપવાનો વિચાર આવે છે પણ લાખો માણસોને રોજ અસંખ્ય વાર લાગતા જર્કનો વિચાર કેમ નથી આવતો? અણઘડ કોન્ટ્રાક્ટરો પર જેમનો કન્ટ્રોલ નથી એવાં કટકીબાજ એન્જિનિયરોના પાપે, આવા લેવલીંગ વગરના રસ્તા પર લાખો વાહનો અને વાહન ચલાવનારાં, બેયના સ્પેર પાર્ટ ઢીલાં પડતા જાય છે. અને જ્યારે જ્યારે આવા ખાડાઓ પરથી નિર્દોષ નાગરિકો જર્ક સાથે પસાર થાય છે ત્યારે ત્યારે આવા કામચોર કોન્ટ્રાકટરો અને ભ્રષ્ટ એન્જિનિયરોની માતાઓ અને ભગિનીઓને આવતી હેડકીની સમસ્યા પણ વધતી જાય છે. આ આર્થિક-શારીરિક ઘસારો મૂકબધિર અને અંધ બનીને તમામ પ્રજા વર્ષોથી સહન કરે છે. એટલે આમ જુઓ તો રાજકોટની પ્રજા જ દિવ્યાંગજન જેવી છે, ખરેખર તો RMCએ સમગ્ર પ્રજાને દિવ્યાંગજન ગણીને દયા ખાવી જોઈએ!
- છેલ્લી વાત, અંધ અને દિવ્યાંગો પ્રત્યે પૂરેપૂરી સહાનુભૂતિ અને સંવેદનશીલતા રાખવાની હોય જ, એમની સગવડ સાચવવી જ જોઈએ, પણ વસ્તીના પ્રમાણમાં એમની સંખ્યાને ધ્યાને લઇને RMCએ આપણાં પૈસા વાપરવાનો નિર્ણય લેવો જોઈએ. જે પ્રકારે આપણાં ટેક્સના પૈસા મારી ખાવાના નવા નવા રસ્તાઓ શોધવામાં આવે છે એની સામે પ્રજાનો સખત વિરોધ હોવો જોઈએ.
સાભાર : લોકાભિરામ (સોશિયલ મીડિયા )