RMCની ફૂડ શાખાના રેંકડીરાસ’ ફરી શરૂ !
૨૧ને ત્યાં તપાસ કરી
વિદાય’ લીધી: ક્યાંય ભેળસેળ ન મળી પણ ૧૭ પાસે લાયસન્સ જ ન્હોતા: સક્કરપરા-ચેવડો-મંચુરિયન-કેળા વેફર્સ-સેવ સહિતના ૨૦ નમૂના લેવાયા
મહાપાલિકાની ફૂડ શાખાને જાણે કે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઉભી રહેતી ખાણીપીણીની રેંકડીઓમાં જ ભેળસેળ દેખાતી હોય તેવી રીતે સપ્તાહમાં બે વખત નાની-મોટી રેંકડીઓ પર ચેકિંગ કરીને કામગીરી કર્યાનો સંતોષ માની લ્યે છે ! બીજી બાજુ શહેરની પ્રતિષ્ઠિત હોટેલો કે જ્યાં ચેકિંગ કર્યાને `ભવ’ વીતી ગયો હોવા છતાં પગથીયું ચડવાની હિંમત કરવામાં આવી રહી નથી. પાછલા સપ્તાહે એકાદ-બે રેસ્ટોરન્ટમાં ચેકિંગ કર્યા બાદ આ સપ્તાહે ફરી રેંકડીઓ પર તવાઈ ઉતારી છે.
ફૂડ શાખાએ પીડીએમ કોલેજ સામેના હોકર્સ ઝોન વિસ્તારમાં ઉભા રહીને ખાણીપીણીનું વેચાણ કરતી ૨૧ રેંકડીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું જેમાંથી ૧૭ પાસે લાયસન્સ ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ જ રીતે ૧૨ વાનગીનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરાયું હતું પરંતુ તેમાં કોઈ ભેળસેળ હોવાનું ખુલ્યું ન્હોતું.
આ ઉપરાંત ટ્રાન્સફેટ ચેકિંગ અંતર્ગત સ્પેશ્યલ ડ્રાઈવ કરવામાં આવી હતી જેમાં ચંદ્રેશનગર મેઈન રોડ પર ગોકુલ નમકીનમાંથી સક્કરપારા, ફરાળી ચેવડો, પિત્ઝા સ્ટુડિયોમાંથી મંચુરિયન ફ્રાઈડ, પ્રિન્સ સીંગમાંથી બનાના વેફર્સ, માયાણી ચોકમાં સંતોષ ભેળમાંથી ચીઝ બટર દાબેલી, શ્રીરામ ચાઈનીઝ-પંજાબીમાંથી મંચુરિયન ફ્રાઈડ, અલ્કા સોસાયટીમાં શ્રીનાથજી પાંઉભાજીમાંથી ફરાળી સેવડો, નાયલોન સેવ, મવડી મેઈન રોડ પર ડાયમંડ સીંગમાંથી મસાલા કાજુ બિસ્કિટ, નાયલોન સેવ, સિલ્વર બેકરીમાંથી કસાટા પેસ્ટ્રી, બટર સ્કોચ નાનખટાઈ, રાધેક્રિષ્ના ફરસાણ હાઉસમાંથી ખારી બુંદી સહિતના ૨૦ જેટલા નમૂના લઈને લેબોરેટરીમાં મોકલાયા હતા.