હર…હર…મહાદેવ: ઋષિ પાંચમે ત્રંબકેશ્વર મંદિરે ભક્તિનો સાગર ઘૂઘવતાં ભાવિકો
પેટા: વહેલી સવારથી લઈ મોડી સાંજ સુધી એક લાખ જેટલા મહિલાઓનો અવિરત ધસારો: ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા બાદ રાસ-ગરબા, ભાતીગળ લોકમેળાની રમઝટ: હૈયે હૈયુ દળાય તેટલી મેદની: વરસાદે વિરામ લેતાં તહેવારની મન ભરીને ઉજવણી
હિન્દુ ધર્મમાં જેનો અનેરો મહિમા અને મહાત્મ્ય છે તેવી ઋષિ પંચમીની રાજકોટમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને છેલ્લા અનેક વર્ષોથી જ્યાં લાખો મહિલાઓ એકઠા થઈને આ પર્વની ઉજવણી કરે છે તેવા કસ્તુરબા ધામ-ત્રંબા ખાતે આવેલા ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે ભાવિકોએ ભક્તિનો સાગર ઘૂઘવી દઈ હર…હર…મહાદેવનો નાદ ગુંજવી દીધો હતો. વહેલી સવારથી લઈ મોડી સાંજ સુધી એક લાખ જેટલા મહિલાઓનો અવિરત ધસારો મંદિર ખાતે જોવા મળ્યો હતો. અહીં મહિલાઓએ ત્રિવેણી સંગમ (ત્રણ નદીઓના સંગમ)માં સ્થાન કર્યા બાદ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી સાથે સાથે ભાતીગળ લોકમેળો મન મુકીને મ્હાલ્યો હતો. એકંદરે હૈયે હૈયુ દળાય તેટલી મેદની એકઠી થઈ જતાં ભક્તિનો અનેરો સંગમ અહીં જોવા મળ્યો હતો. આ સાથે જ વરસાદે વિરામ લેતાં તહેવારની ભાવિકોએ હોંશે હોંશે ઉજવણી પણ કરી હતી.
દરેક મહિલાઓ માટે અત્યંત ખાસ ગણાતી ઋષિપાંચમની રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહીં બલ્કે આખા દેશમાં જોરશોરથી ઉજવણી થઈ હતી. રાજકોટમાં મહિલાઓએ મહાદેવના પોઠિયાની માફક ત્રણ વખત ન્હાવું અને એક વખત ખાવુંની પરંપરા નીભાવી હતી. ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલાઓએ ત્રણ વખત સ્નાન કર્યું હતું અને સાથે સાથે ફરાળી વાનગી આરોગીને તહેવાર માણ્યો હતો.
અત્રે એ ઉલ્લેખ કરવો પણ જરૂરી બની જાય છે કે ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના પાંડવોએ કરી છે. અહીં ત્રણ નદીનો સંગમ થઈ રહ્યો હોય તેમાં સ્નાન કરવાની વર્ષોથી પરંપરા ચાલી આવે છે. અહીં વહેલી સવારથી જ રાજકોટ શહેર ઉપરાંત આસપાસના ગામોમાંથી મહિલાઓ ઉમટી પડે છે અને સાંજે પાંચ વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો અહીં યોજાય છે. છેલ્લા ૨૦ વર્ષથી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતાં ત્રંબકેશ્વર યુવા ગ્રુપ દ્વારા ભાવિકો માટે ચા-પાણી-નાસ્તો-સરબત સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે સથવારો ફાઉન્ડેશનના પ્રમુખ કેતનભાઈ પટેલ દ્વારા ફરાળની અલાયદી સગવડ અહીં કરવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ખડેપગે રહેનાર સથવારો ફાઉન્ડેશનની ટીમ
કેતનભાઈ પટેલ, બકુલભાઈ મકવાણા, શૈલેષભાઈ હાપલિયા, કૌશલભાઈ ધામી, ઉમેશભાઈ ભૂત, સુરેશભાઈ રાણપરીયા, સુરેશભાઈ ચૌહાણ, સંજયભાઈ વઘાસીયા, વિશાલભાઈ ગજેરા, સુધીરભાઈ ઠુમ્મર, ભરતભાઈ મારકણા, વિજયભાઈ માકડીયા, વિજયભાઈ રામાણી સહિત સથવારો ફાઉન્ડેશનની વિશાળ ટીમ કાર્યક્રમને સફળ બનાવવા સતત ખડેપગે રહી હતી.
બોક્સ
ત્રંબકેશ્વર યુવા ગ્રુપની મહેનત રંગ લાવી
દર વર્ષે ઋષિપાંચમે ત્રંબા ખાતે ત્રંબકેશ્વર યુવા ગ્રુપની ટીમ દિવસ-રાત જોયા વગર અહીં ઉજવાનારા પર્વની તડામાર તૈયારી કરે છે જે સિલસિલો આ વખતે પણ જાળવી રાખવામાં આવ્યો છે. ખાસ કરીને ત્રંબકેશ્વર યુવા ગ્રુપના મનુભાઈ ત્રાપસીયા, રતીલાલભાઈ ત્રાપસીયા, ચંદુભાઈ ત્રાપસીયા, રમેશભાઈ ત્રાપસીયા સહિતનું આખું ગ્રુપ ઉપરાંત ત્રંબા ગામના ગામલોકો પણ અહીં હોંશે હોંશે સેવા કરી ભાવિકો માટે ચા-પાણી-નાસ્તો-સરબત સહિતની વ્યવસ્થા કરે છે.
૪૦ ગુણી બટેટા, ૪૦ ગુણી સામો, ૨૦ પેટી ટમેટા, ૧૦૦ ગુણી મરચા, ૬૦૦ કિલો ફરાળી ચેવડાનો ઉપાડ
પર્વ નિમિત્તે કસ્તુરબા ધામ-ત્રંબા ખાતે ભાવિકોને ફરાળ કરાવવા માટે સથવારો ફાઉન્ડેશન દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. એકંદરે વહેલી સવારથી લઈ મોડી સાંજ સુધી ૪૦ ગુણી બટેટા, ૪૦ ગુણી સામો, ૨૦ પેટી ટમેટા, ૧૦૦ ગુણી મરચાથી વિવિધ ફરાળી વાનગી બનાવવામાં આવી હતી. ૬૦૦ કિલો ફરાળી ચેવડો આરોગવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.