લોકમેળામાં રાઇડ્સ શોભાના ગાઠીયા બની રહેશે
એસઓપીનું પાલન કરવું જ પડશે : લોકમેળામાં ફાઉન્ડેશન વગર રાઇડ્સ ઉભી કરવા મામલે લોકમેળા સમિતિની સાફ વાત
રાજકોટ : રાજકોટના લોકમેળામાં સરકારની એસઓપીની ધજીયા ઉડાવી ફાઉન્ડેશન વગર જ જમ્બો જેટ ફજત ફાળકા, ચકરડી, ડ્રેગન સહિતની રાઇડસો ગોઠવાઈ ગઈ છે ત્યારે ભારે વિવાદ વચ્ચે રાજકોટ લોકમેળા સમિતિએ તમામ રાઇડ્સ સંચાલકોને એસઓપી પાલન કરવા માટે વિધિવત અરજી કરી નિયમોનુસાર કાર્યવાહી કરવા તાકીદ કરી છે બીજી તરફ ફાઉન્ડેશન વગર એક પણ રાઇડસને એનઓસી ન મળે તેમ હોય લોકમેળામાં રાઇડસો શોભાના ગાંઠિયા સમાન બની રહે તેમ હોવાના સાફ-સાફ સંકેતો મળી રહ્યા છે.
આગામી તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન રાજકોટના રેષકોર્ષ મેદાન ખાતે યોજાનાર ધરોહર લોકમેળામાં દુર્ઘટના રોકવા લોકમેળા સમિતિએ ગુજરાત સરકારની લાંબીલચ્ચ એસઓપીનું પાલન ફરજીયાત બનાવ્યું હોવા છતાં 1.27 કરોડમાં યાંત્રિક આઇટમોના પ્લોટ ખરીદનાર આસામીએ બારોબાર પેટામાં તમામ પ્લોટનું વેચાણ કરી નાખતા રાઈડસના પ્લોટ ખરીદનાર અસામીઓએ એસઓપીનું ઉલ્લંઘન કરી આરસીસી ફાઉન્ડેશન વગર જ મોટા-મોટા ફજત ફાળકા, ચકરડી, ડ્રેગન તેમજ અનેક જોખમી રાઇડ્સ લાકડાના ટેકા ભરાવી ઉભી કરી દેતા વિવાદ સર્જાયો છે.
બીજી તરફ રાજકોટ લોકમેળા સમિતિ વતી સીટી પ્રાંત-1 ડો.ચાંદની પરમારે જણાવ્યું હતું કે, લોકમેળામાં રાઇડ્સના તમામ સંચાલકોને એસઓપી પાલન માટે તાકીદ કરવામાં આવી છે અને જો કે, ફાઉન્ડેશન વગર રાઇડ્સ ઉભી કરવા મામલે તેઓએ જણાવ્યું હતું કે, આ ટેક્નિકલ બાબત છે અને માર્ગ અને મકાન વિભાગ તેમજ રાજકોટ રાઇડ્સ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટી દ્વારા આ મામલે નિર્ણય લેવામાં આવશે.
દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે, તમામ રાઇડ્સ માટેની મંજૂરી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવનાર છે અને સરકારના એસઓપીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હશે તો જ રાઇડ્સ સંચાલકોને નિયમ મુજબ મંજૂરી આપવામાં આવશે તે જોતા હાલના સંજોગોમાં એકપણ રાઇડ્સ સંચાલકે એસઓપીના નિયમ મુજબ ફાઉન્ડેશન ન ભર્યું હોય લોકમેળામાં રાઇડસો માત્ર શોભાના ગાંઠિયા બની રહે તેમ હોવાના સંકેતો મળી રહ્યા છે.