બેનખેતી અને હેતુફેરની સત્તા પાછીઆપો: જિલ્લા પંચાયતનો ઠરાવ
રાજકોટ જિલ્લા પંચાયતની અંતિમ ખાસ સામાન્ય સભા યોજાઇ
અઢી વર્ષ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી, સભ્યોનો સાથ મળતા પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કર્યા: ભૂપત બોદર
રાજકોટ જિલ્લા પંચાયતની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે શુક્રવારે છેલ્લી ખાસ સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ સામાન્ય સભામાં અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયત હસ્તકની પરત લેવાયેલી સત્તા/અધિકારોને પુન:સ્થાપિત કરવા તથા પ્રમુખને વિકાસ માટે ખાસ ગ્રાન્ટ ફાળવવા તથા રેતી રોયલ્ટીના અનુદાનના માપદંડો સુધારવા બાબત સહિતના ઠરાવો કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લા પંચાયતન વર્તમાન શાસકોની અઢી વર્ષની ટર્મ આગામી સપ્ટેમ્બર માસના મધ્યમાં પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે શુક્રવારે છેલ્લી ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. આ ખાસ સામન્ય સભામાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભામાં જુદા-જુદા ઠરાવો કરવામાં આવ્યા હતા. અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે કહ્યું હતું કે, રાજ્ય સરકારે જિલ્લા પંચાયત પાસેથી પરત ખેચેલી સત્તાઓ પરત આપવાનો ઠરાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, બિનખેતી અને હેતુફેરની સત્તાઓ સરકારે જિલ્લા પંચાયત પાસેથી પરત ખેચી છે. તે જિલ્લા પંચાયતને પરત સોંપવામાં આવે. કારણ કે અમે લોકોની વચ્ચે રહી છીએ અને કામ અમારે કરવાના હોય છે. જ્યારે અમે મત માંગવા લોકો પાસે જઈએ ત્યારે અમે કહી શકીએ કે તમારા કામ અમે કર્યા છે.
આ ઉપરાંત સામાન્ય સભામાં ગુજારત ફાઇનાન્સ બોર્ડને કાર્યરત કરવા, કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાનના માર્ગદર્શનમાં રાજકોટ જિલ્લામાં 14માં અને 15માં નાણાપંચમાંથી થયેલા વિકાસના કામોની અનાવરણ તક્તીમાં જરૂરી સુધારો કરવા તથા ગ્રામ્ય કક્ષાએ આ કામોનો પ્રચાર પ્રસાર કરવા, જિલ્લા કક્ષાએ ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિના માનદ વેતનમાં વધારો તથા પ્રવાસ ભથ્થા દરમાં વધારો કરવા, 15માં નાણા પંચની ગ્રાન્ટ વહેચણીના ધોરણમાં ફેરફાર કરવા અંગે, રાજકોટ જિલ્લાની ગૌચર જમીનમાં વનીકરણ કરવા અંગે સહિતના ઠરાવ કરવામાં આવ્યા હતા અને સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખે વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર તથા 15 માં નાણાંપંચ સ્વભંડોળ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને સમગ્ર જિલ્લા પંચાયતના સદસ્યોના વિઝન થકી ડોર ટુ ડોર કલેક્શન માટે ટ્રેક્ટર, ટીપર વાન, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 70 સ્માર્ટ આંગણવાડી નિર્માણ પામી છે. જિલ્લા વિકાસ અધિકારી તથા પ્રમુખની ઐચ્છિક ગ્રાન્ટમાંથી આધારકાર્ડમાં સુધારા માટે 55 આધારકાર્ડ અપડેટની કીટ ફાળવવામાં આવી છે. જ્યારે પંચાયતનો કાર્યભાર સાંભળ્યો ત્યારે કોરોનાકાળની પરિસ્થિતિ હોય જિલ્લાના નાગરિકો માટે સ્વખર્ચે 20 હજાર ટેસ્ટિંગ કીટ જિલ્લાના નાગરિકો માટે ફાળવી હતી. જ્યારે જિલ્લાના ગ્રામ્ય લોકોના પ્રશ્નો સરળતાથી સ્થળ ઉપર જ રજૂ કરી શકે તે માટે સરકારી તંત્રને સાથે રાખી 50થી વધુ ગામમાં લોકદરબાર યોજવામાં આવ્યો છે. સામાન્ય સભામાં પ્રમુખ ઉપરાંત ઉપ પ્રમુખ, સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અમે પણ તમને વિપક્ષની ચેમ્બર આપશુ
સામાન્ય સભામા પ્રમુખની ટર્મ પુણ થતી હોય વિપક્ષી નેતા અર્જુન ખાટરીયાએ પ્રમુખ ભૂપત બોદરને શુભકામના પાઠવી હતી. બાદમાં હળવા મૂડમાં એમ પણ કહ્યું હતું કે, તમે અમને જિલ્લા પંચાયતમાં વિપક્ષને બેસવા માટે અલગ ચેમ્બર આપી છે અમે પણ પાંચ વર્ષ બાદ આપને આવી અલગ ચેમ્બર આપીશું. તેમ કહેતા જ સામાન્ય સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે જિલ્લા પંચાયતમાં તમારી ટર્મ કેવી રહી તેવો પ્રશ્ન વિપક્ષી નેતાએ પૂછતાં પ્રમુખે કહ્યું હતું કે, આપણે સારા તો જગ સારા કહી વધુમાં કહ્યું કે, અત્યાર સુધી કોઈ જગ્યાએ ખરાબ અનુભવ થયો નથી. અધિકારીઓ, સભ્યો અને વિપક્ષના સભ્યોનો પણ જિલ્લાના વિકાસમાં સાથ મળ્યો છે. તેવું જણાવ્યું હતું.
રાજ્યસભાના સાંસદ સામાન્ય સભામાં હાજર રહ્યા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા પણ જિલ્લા પંચાયતની અંતિમ ખાસ સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, સાંસદ બન્યા બાદ પ્રથમ વખત જ કોઈ મોટા કાર્યક્રમ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે ત્યારે ગ્રામ્ય લેવલે લોકોના પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ અને જરૂરિયાત પૂરી પાડતી જિલ્લા પંચાયત છે. તેમાં પણ રાજકોટ જિલ્લા પંચાયત ઉપર સૌરાષ્ટ્રની નજર રહેતી હોય છે અઢી વર્ષમાં વિકાસના કામો થયા છે અને અહી સૌ વિકાસના કામ કરવા બેઠા છે. બે પક્ષ વચ્ચે ખેંચા ખેંચી ન હોવી જોઈએ, પોઝિટિવ કામ થાય તે જરૂરી છે