સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ પદેથી ડો.આર.એસ.ત્રિવેદીની છુટ્ટી
મેડિકલ કોલેજના અધિક ડીન ડો.મોનાલી માંકડિયાને તબીબી અધિક્ષકનો ચાર્જ સોંપાયો
મંત્રીના પરિચિતને સરખી સારવાર ન આપવા,સીએમઓના અધિકારીઓની સૂચના ન માનતા અને આરોગ્યલક્ષી સુવિધાઓ હોસ્પિટલમાં પૂરી ન પાડતાં પગલાં લેવાયાની ચર્ચા
રાજકોટમાં અનેક વખત વિવાદોમાં સંપડાયેલી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્વારા તબીબી અધિક્ષક પદ પર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ડો.આર.એસ.ત્રિવેદીની છુટ્ટી કરી ચાર્જ મેડિકલ કોલેજના અધિક ડીન ડો.મોનાલી માંકડિયાને સોંપવામાં આવ્યો છે.આ ફેરફારથી સિવિલ હોસ્પિટલમાં તરેહતરેહની ચર્ચાઓ જાગી છે.
માહિતી મુજબ ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સચિવાલય, ગાંધીનગર દ્વારા ઉપ સચિવ વી. એમ. પટેલે દ્વારા તા.04 જુલાઇના જાહેર કરેલ આદેશમાં જણાવ્યું છે કે, તબીબી અધિક્ષક, પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટનો તા.3/4/2021થી વધારાનો હવાલો ધરાવતા ડો.રાધેશ્યામ ત્રિવેદી ફીજીયોલોજીના પ્રાધ્યાપકને તબીબી અધિક્ષકના વધારાનાં હવાલામાંથી મુક્ત કરવામાં આવે છે.અને બર્ન્સ એન્ડ પ્લાસ્ટીક સર્જન ડો.મોનાલી માકડીયાને વધારાનો હવાલો તેમની મૂળ ફરજો ઉપરાંત સોંપવામાં આવે છે. અને વધુમાં ડો.મોનાલી માકડીયાને પી.ડી.યુ. મેડીકલ કોલેજ. રાજકોટના અધિક ડીનના વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવ્યા છે.જેથી આ આદેશ થતાં હોસ્પિટલમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ઉલ્લેખનીય છે કે, તબીબી અધિક્ષક અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે. જેમાં તાજેતરમાં કેબિનેટ મંત્રીના પરિચિતની સારવારમાં પૂરતું ધ્યાન ન આપતા તેઓનું મોત નીપજ્યું હતું. અને સિવિલના જવાબદાર અધિકારીઓ સામે પગલ લેવામાં પોલીસ કમિશનરને પત્ર પણ લખતા તેમા પ્ર. નગર પોલીસે તપાસ પણ કરી રિપોર્ટ સોંપ્યો હતો. બાદ સીએમ ઓફિસ પરથી બે અધિકારીઓ તબીબી અધિક્ષકને ઘણી સૂચનાઓ આપવા આવ્યા હતા. તેઓને લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ ડો.ત્રિવેદી મળ્યા હતા. અને તેઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન પણ કર્યું ન હતું.ઉપરાંત આરોગ્યલક્ષી સુવિધાઓ હોસ્પિટલમાં પૂરતી ન હોવાથી ન્યુરોલોજીસ્ટ તબીબે રાજીનામું પણ આપ્યું હતું. જેથી આવા અનેક કારણોના લીધે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હોવાની ચર્ચાઓ સ્ટાફમાં થઈ રહી છે.