પાકિસ્તાને કબ્જે કરેલી બોટ મુક્ત કરાવવા કેન્દ્રને રજુઆત
રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે પાક કબ્જામાં રહેલી 1172 બોટ મુક્ત કરાવવા પત્ર લખ્યો
રાજકોટ : જળસીમા ઉલ્લંઘન બદલ પાકિસ્તાન દ્વારા પકડવામાં દર વર્ષે સેંકડો બોટ સાથે ગુજરાતના માછીમારોને પકડી લેવામાં આવી રહ્યા છે ત્યારે વર્ષ 1995થી આજ દિન સુધીમાં પાકિસ્તાને ગુજરાતના માછીમારોની આવી 1172 બોટ કબ્જે કરી લીધી હોય મુક્તિ માટે મત્સ્ય ઉધોગ મંત્રી રાઘવજી પટેલે કેન્દ્ર સરકારને પત્ર લખીને બોટ પરત આવે તે માટે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ યોગ્ય પગલાં ભરવા રજુઆત કરી છે.નોંધનીય છે કે, હાલમાં 212 જેટલા માછીમારો પાક જેલમાં સબડી રહ્યા છે.
રાજ્યના મત્સ્ય ઉધોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, માછીમારોને વિવિધ સંગઠનોની માગણી છે કે, માછીમારો સાથે પાકિસ્તાન દ્વારા બોટ પણ પરત કરવામાં આવે. જેથી કેન્દ્ર સરકારના ગૃહ વિભાગને પત્ર લખવામાં આવ્યો છે. પાકિસ્તાન સરકાર બોટ પરત ન આપવાના કારણે માછીમારોને લાખોનું નુકસાન થાય છે. એક બોટની કિંમત 50 થી 60 લાખ હોય છે. બોટ પરત ન મળવાથી બોટ માલિક અને તેની સાથે જોડાયેલા માછીમારો વ્યવસાય ફરીથી કરી શકતા નથી જેથી મોટું નુક્સાન વેઠવું પડ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં પાકિસ્તાન દ્વારા ગુજરાતના માછીમારોની કુલ મળી 1444 બોટ જપ્ત કરી લીધી છે જે પૈકી છેલ્લે વર્ષ 2014-15માં કુલ 57 બોટ મુક્ત કર્યા બાદ હજુ પણ પાકિસ્તાનના કબ્જામાં ગુજરાતના માછીમારોની કુલ 1172 બોટ પડી હોય રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી દ્વારા કેન્દ્ર સરકારને પત્ર પાઠવવામાં આવ્યો છે,
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા જળસીમા ઉલ્લંઘન બદલ પકડવામાં આવેલ માછીમારોને મુક્ત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી 41 જેટલી રજુઆત કરવામાં આવી છે. વર્ષ 1994 થી લઈને અત્યાર સુધી પાકિસ્તાને 7891 માછીમારો કેદ કર્યા હતા જેમાં 7679 માછીમારો મુક્ત કરવામાં આવ્યા છે. હજી પણ પાકિસ્તાનની જેલમાં 212 જેટલા માછીમારો કેદ છે. આ અંગે મત્સ્ય ઉધોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોના પરિવારને આર્થિક મદદ માટે રાજ્ય સરકારે નક્કી કરેલી સહાય પ્રમાણે પ્રતિ દિવસ 300 રૂપિયા ચુકવવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર માછીમારોને મુક્ત કરવા માટે અવાર નવાર કેન્દ્ર સરકારના ગૃહ વિભાગને રજુઆત કરવામાં આવી છે.