સૌરાષ્ટ્રમાં રાહત, દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન
તાપી, ડાંગ, નવસારી, સુરત અને દાહોદ જિલ્લામાં એકથી નવ ઈંચ વરસાદ : સાંજના 6 સુધીમાં 111 તાલુકામાં વરસાદ
રાજકોટ : પાંચેક દિવસના વિરામ બાદ સોમવારે વહેલી સરવાથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા દે ધનાધન વરસાદ વરસાવી રહ્યા છે. જો કે, રાજ્યમાં એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સોમવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રાહત વચ્ચે નવસારી, ડાંગ, સુરત અને દાહોદ સહિતના જિલ્લાઓમાં એકથી નવ ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે સોમવારે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ સોમવારે સૌથી વધુ વરસાદ તાપીના સોનગઢમાં 9 ઈંચ, વ્યારામાં સવા આઠ ઈંચ, ડાંગના વઘઈમાં પોણા આઠ ઈંચ, તાપીના ઉચ્છલમાં પોણા સાત ઈંચ, નવસારીના વાંસદામાં અને તાપીના ડોલવણમાં સાડા છ ઈંચ, ડાંગના સુબિરમાં છ ઈંચ, ભરૂચમાં સાડાપાંચ ઈંચ, ડાંગ આહવામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. સોમવારે સાંજના છ વાગ્યા સુધીમાં કુલ 111 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો જેમાં 50થી વધુ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જો કે, સોમવારે સૌરાષ્ટ્રમાં એક પણ સેન્ટરમાં વરસાદ વરસ્યો ન હતો.
બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આજે ભરૂચ અને સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગર સહિત આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર સહિત સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.