આજથી રાજકોટ લોકમેળાના ધંધાર્થીઓને રિફંડ અપાશે
રમકડાં, ખાણીપીણી અને આઈસ્ક્રીમ ચોકઠાં સહિતના ધંધાર્થીઓને 2 કરોડ જેટલી રકમ પરત કરાશે
ભારે વરસાદને કારણે આ વર્ષે રાજકોટના રેષકોર્ષ મેદાન ખાતે યોજાયેલો લોકમેળો રદ્દ કરવામાં આવતા લોકમેળા સમિતિ દ્વારા તમામ ધંધાર્થીઓને ડિપોઝીટ અને હરરાજીમાં ચુકવેલી રકમ પરત કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા બાદ આજથી તમામ ધંધાર્થીઓને અંદાજે 2 કરોડ રૂપિયા જેટલી ડિપોઝીટ અને ભાડાની આવક રિફંડ આપવામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના રેષકોર્ષ મેદાન ખાતે તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરાયું હતું પરંતુ ઉદઘાટન બાદ રાંધણછઠ્ઠની રાત્રિથી જ મેઘરાજાએ સટાસટી બોલાવવાનું શરૂ કરી દઈ બાદમાં સતત મેઘમહેર ચાલુ રાખતા રાજકોટમાં 30 ઈંચથી વરસાદ પડી જતા મેળાનું આયોજન જ રદ કરવામાં આવ્યું હતું, બીજીતરફ લોકમેળો રદ કરવામાં આવતા કમાણી કરવાની આશાએ લોકમેળામાં સ્ટોલ ભાડે રાખનાર ધંધાર્થીઓઓ મુશ્કેલીમાં મુકાયા હોય તંત્રએ માનવતા વાદી અભિગમ અપનાવી તમામ ધંધાર્થીઓને ડિપોઝીટ, ભાડાની રકમ પરત કરવા નિર્ણય કરી આજથી રિફન્ડના ચુકવણા શરૂ કર્યા હોવાનું સૂત્રો જણાવી રહયા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના લોકમેળામાં ખાણીપીણી, રમકડાં, આઈસ્ક્રીમ ચોકઠાં સહિતના નાના મોટા કુલ 235 સ્ટોલ હતા જેમાં રાઈડસના 31 પ્લોટને બાદ કરતા બાકીના રમકડાં, ખાણીપીણી, ખાણીપીણી કોર્નર અને આઈસ્ક્રીમ ચોકઠાં સહિતના તમામ સ્ટોલ ધારકોએ ડ્રો અને હરરાજીમાં ખરીદેલ સ્ટોલની તમામ રકમ અને ડિપોઝીટ પરત કરવા નિર્ણય કર્યો હોવાનું જાહેર કર્યું હતું. જો કે, રાઇડ્સના 31 પ્લોટ મામલે હરરાજીમાં ઉંચી બોલી બોલનાર ધંધાર્થી હાઇકોર્ટમાં ગયા હોવાથી હાલતુર્ત રાઇડ્સ સંચાલકોને ડિપોઝીટ કે હરરાજીની રકમ ક્યારે પરત કરવામાં આવે તે હજુ સુધી નક્કી કરાયું ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.