૫૧ શરત સાથે ૩૩ સાઈટ પર પે એન્ડ પાર્કિંગ માટે ફરી ટેન્ડર કરાયું
ટુ-વ્હીલરના પાંચથી ૨૫, ફોર-વ્હીલરના ૨૦થી ૮૦, ટ્રક સહિતના વાહનોના ૪૦થી ૧૨૦ સુધીના દર
અગાઉ રિંગ થઈ જતાં દરખાસ્ત પેન્ડીંગ રાખી દેવાઈ’તી
રાજકોટમાં આડેધડ થઈ રહેલા વાહન પાર્કિંગને કારણે ટ્રાફિકજામ તેમજ લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી હોય તેને દૂર કરવા માટે મહાપાલિકા દ્વારા પે એન્ડ પાર્કિંગની પદ્ધતિ અમલમાં મુકવામાં આવી હતી. જો કે આ પદ્ધતિથી કોઈ જ ફરક પડ્યો ન્હોતો પરંતુ તંત્ર તેમજ પાર્કિંગનો કોન્ટ્રાક્ટર મેળવનારને જરૂર આવક શરૂ થઈ ગઈ હતી ! થોડા દિવસ પહેલાં અલગ-અલગ સાઈટ માટે પે એન્ડ પાર્કિંગની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવી હતી જેમાં કોન્ટ્રાક્ટરોએ `રિંગ’ કરી લઈને ભાવ ઓછા ભરતા તેને પેન્ડીંગ રાખી દેવામાં આવી હતી. હવે ફરી મહાપાલિકા દ્વારા ૫૧ શરત સાથે ૩૩ સાઈટ પર પે એન્ડ પાર્કિંગ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
જે સાઈટ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે તેમાં રામદેવપીર ચોકથી શીતલ પાર્ક ચોક, ઉગમણી બાજુ બ્રિજ નીચેનો ભાગ ઉપરાંત કેકેવી ચોકથી બીગબજાર તરફનો ઉગમણી બાજુએ (ઈસ્ટ) બ્રિજ નીચેનો ભાગ, નાનામવા સર્કલથી બિગ બજાર આથમણી બાજુ બ્રિજ નીચેનો ભાગ, નાનામવા ચોકથી બાલાજી હોલ આથમણી બાજુ બ્રિજ નીચેનો ભાગ, રૈયા ચોકડીથી ઈન્દીરા સર્કલ તરફ, રૈયા ચોકડીથી નારાવટી ચોખ તરફ સહિતની ૩૩ સાઈટનો સમાવેશ થાય છે.
અગાઉ સરકાર દ્વારા પે એન્ડ પાર્કિંગ પોલિસી અંતર્ગત પાર્કિંગના દર નક્કી કરવામાં આવ્યા હતા જે પ્રમાણે ટુ-વ્હીલનરા રૂા.પાંચથી માંડી ૨૫, ફોર-વ્હીલરના રૂા.૨૦થી ૮૦, ટ્રક સહિતના ભારે વાહનોના ૪૦થી ૧૨૦ સુધીના દર નક્કી કરવામાં આવ્યા હતા જે પ્રમાણે જ તંત્ર દ્વારા ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે. જો કે ૫૧ શરત રાખવામાં આવી છે તે પૈકીની મહત્તમ શરતોનું પાલન થઈ રહ્યું નથી તે પણ વરવી વાસ્તવિક્તા છે.