રંગીલા રાજકોટીયનોએ રૂપાલા – ધાનાણીની ઊંઘ ઉડાવી
ભાજપના સ્ટાર પ્રચારક રૂપાલા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક પરેશ ધાનાણીને ચૂંટણી પ્રચાર માટે આત્મનિર્ભર બનવું પડ્યું
ભાજપ પાસે વિકાસની વાતો, કોંગ્રેસે ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટનું અધૂરું કામ, એઇમ્સની અપૂર્ણતા, આઇટી પાર્કના ઠેકાણા ન હોવાના મુદ્દાને ચૂંટણીમાં ચગાવ્યો
રાજકોટ : રંગીલા રાજકોટની લોકસભા બેઠક માટે પહેલી વખત જ બન્ને આયાતી કહી શકાય તેવા અમરેલીના વતની ઉમેદવારોને ભાજપ-કોંગ્રેસે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે અને મતદાન આડે હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે ત્યારે રાત્રે જાગતા અને દિવસે અચૂક સુવામાં માનતા રાજકોટીયનોએ ભાજપ-કોંગ્રેસના નેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે, ક્ષત્રિય સમાજ વિશે અશોભનીય ટિપ્પણી બાદ વિવાદમાં ફસાયેલા રૂપાલાને ક્ષત્રિય સમાજની સાથે લેઉવા ફેકટરનો ડર છે તો સામે પક્ષે ભાજપની પરંપરાગત ગણાતી રાજકોટ બેઠકમાં મોદીપ્રેમીઓનું ધીંગું મતદાન થાય તો કોંગ્રેસને હાર નો ડર પણ સતાવી રહ્યો છે, જો કે મજાની વાત તો એ છે કે, ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ પરસોતમ રૂપાલા અને પરેશ ધાનાણીના પ્રચાર માટે કોઈ જ સ્ટાર પ્રચારકો ન આવતા ચૂંટણી પ્રચારમાં બન્ને નેતાઓને આત્મ નિર્ભર બનવું પડ્યું છે.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આગામી તા.7ના રોજ રાજકોટ સહીત રાજ્યની 25 બેઠકો ઉપર મતદાન થનાર છે ત્યારે ભાજપનો ગઢ ગણાતી રાજકોટ લોકસભા બેઠક ઉપર કોની જીત થશે કોની હાર થશે તે કહેવું રાજકીય પંડિતો માટે પણ પડકાર રૂપ બની ગયું છે, વર્ષ 2009 બાદ સતત રાજકોટ લોકસભા બેઠક ભાજપ જીતતું આવ્યું છે અને વર્ષ 2024માં પણ ભાજપે ચૂંટણી જાહેર થયાના દોઢેક માસ પહેલા જ કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાને રાજકોટના રણમેદાનમાં ઉતારતા રાજકોટની પરંપરાગત બેઠક ભાજપને જ ફાળે જાય તેવા સ્પષ્ટ સંકેતો વચ્ચે કોંગ્રેસ પાસે રૂપાલાને ટક્કર આપે તેવા ઉમેદવાર પણ શોધ્યા મળતા ન હતા. જો કે, 22મી માર્ચે ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ એક કાર્યક્રમમાં રાજા-રજવાડા વિશે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજે વિરોધનો ઝંડો ઉઠાવી રૂપાલાની ટિકિટ રદ્દ કરવા માંગ કરતા રાજકોટ લોકસભા બેઠક માત્ર ગુજરાત જ નહીં બલ્કે સમગ્ર દેશ અને વિદેશમાં પણ ચર્ચામાં આવી ગઈ.
બીજી તરફ કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીએ પરેશ ધાનાણીને રાજકોટના ઉમેદવાર ઘોષિત કરવા છતાં પરેશ ધાનાણીએ રાજકોટથી ચૂંટણી લડવા ઇન્કાર કરી દીધો હતો પરંતુ ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ રૂપાલા સામે વિરોધ વંટોળ જોતા અગાઉ પરસોતમ રૃપાલાને ઘરઆંગણે હરાવનાર પરેશ ધાનાણી હિમતવાન બનીને લેઉવા પાટીદાર સમાજની બહુમતી જોતા રાજકોટના ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, જો કે, આશ્ચર્ય તો એ વાતનું છે કે, ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ રાજકોટના બન્ને ઉમેદવારોને ચૂંટણી પ્રચારમાં આત્મનિર્ભર બનીને ચલાવવું પડ્યું છે અને બન્નેમાંથી એકપણ નેતા માટે કોઈ રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પ્રચાર માટે રાજકોટ આવ્યા નથી.
મજાની વાત તો એ છે કે, બપોરે વામકુક્ષી કરી રાત ઉજાગરા કરતા રાજકોટીયનોને વર્ષ 2024ની લોકસભા સામાન્ય ચૂંટણી રસહીન લાગી રહી છે, રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણી હોય કે, પછી વિધાનસભાની ચૂંટણી હોય હરહમેશ ધમધમતા રહેતા રાજકીયપક્ષોના કાર્યાલયોએ જોઈએ તેવી જમાવટ આવી નથી તો પ્રચાર યુદ્ધમાં પણ શાંતિ શાંતિ વચ્ચે ભૂંગળા વાળી રીક્ષાઓ કે કાર્યકરોની ફૌજ જમીન ઉપર દેખાઈ જ નથી, માત્ર સામાજિક મેળાવળા અને સ્નેહમિલનો થકી જ બન્ને રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર કરી લેતા ભાજપ-કોંગ્રેસના ચૂંટણી ખર્ચ પણ ઓણસાલ સિમિત રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.
2019માં ભાજપને કઈ બેઠકમાં કેટલી લીડ
ટંકારા – 15823
વાંકાનેર – 26044
રાજકોટ પૂર્વ – 64349
રાજકોટ પશ્ચિમ – 113846
રાજકોટ દક્ષિણ – 83120
રાજકોટ ગ્રામ્ય – 60891
જસદણ – 2818
રાજકોટ બેઠકમાં જ્ઞાતિનું ગણિત
બ્રાહ્મણ – 88,630
જૈન – 39,262
લેઉવા પાટીદાર – 3,97,676
કડવા પાટીદાર – 1,74,570
ક્ષત્રિય – 94,190
લોહાણા – 56,779
પ્રજાપતિ – 57,171
મુસ્લિમ – 97,108
દરજી – 17,554
બાવાજી – 27,815
કોળી(તળપદા) 1,90,385
કોળી(ચુવાળીયા) – 19,811
સતવારા – 11,199
વાણંદ – 11,759
સોની – 23,391
સુથાર – 17,369
આહીર – 61,231
ગઢવી – 5,550
ભરવાડ – 1,03,456
અનુસૂચિત જાતિ – 1,45,324
કુલ – 20,63,835
મતદાનની ટકાવારી
વર્ષ 2014 – 63.89
વર્ષ 2019 – 63.49
વર્ષ 2024 – ??