રામકથાની તૈયારીઓ અંતિમ ચરણમાં: 20 કરોડનું વિમાકવચ
ટ્રસ્ટએ 4.60 કરોડનાં પ્રીમિયમ સાથે જોખમોને આવરી લીધાં: શનિવારે સવારે પોથીયાત્રા,2000 મહિલાઓ મસ્તક પર રામચરિત માનસની પોથી લેશે: રાજમાર્ગો પર રંગોળી અને ફૂલોની સજાવટ
શનિવારથી રાજકોટમાં માનસ સદભાવના રામકથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રામકથાની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં છે. રામકથા માટે આયોજકો દ્વારા 20 કરોડનું વીમા કવચ લેવામાં આવ્યું છે. કોઈપણ આકસ્મિક ઘટના,આગ સહિતના જોખમોને આ વીમા પોલીસીમાં આવરી લેવામાં આવ્યા છે. આઈ.સી.આઈ.સી.આઈ. માંથી રામકથા માટે વીમો ઉતારવામાં આવ્યો છે, જેના માટે સદભાવના ટ્રસ્ટ દ્વારા 4.60 લાખનું પ્રીમિયમ ભરવામાં આવ્યું છે.
સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે મોરારીબાપુની વૈશ્વિક માનવ સદભાવના રામકથા તારીખ 23 નવેમ્બરના શનિવારથી શરૂ થશે જે પૂર્વે વિરાણી હાઈસ્કૂલ થી વિશાળ પોથીયાત્રા નીકળવાની છે. શનિવારે સવારે 8:30 વાગ્યાથી વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડથી ઓથી યાત્રા શરૂ થશે જે હેમુ ગઢવી હોલ યાજ્ઞિક રોડ,જિલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવન થઈ રેકોર્ડ ખાતે પહોંચશે ,જેમાં 2000 મહિલાઓ રામચરિત માનસની પોથી ને પોતાના મસ્તક પર ઉપાડશે.
દેશ-વિદેશથી આ રામકથા માટે ભાવિકો આવી રહ્યા છે, જેમાં મસ્કતથી ટોચના બિઝનેસમેન અને ત્યાંના કેબિનેટ મંત્રીના પિતા અશ્વિનભાઈ ટોપરાણી મોરારીબાપુના અનન્ય સેવક છે, જેઓ કથા માટે ચાર દિવસ આવી રહ્યા છે. વડીલો અને વૃક્ષોના લાભાર્થે યોજાઇ રહેલી આ કથામાં નવા અધ્યતન વૃદ્ધાશ્રમ માટે અનુદાનની સરવાણી અને વૃક્ષો માટે દાતાઓ પોતાના નામ લખાવી રહ્યા છે. આ રામકથામાં 11.11 લાખ વૃક્ષ માટે દાતા મળી જાય તેવી આશા આયોજકો સેવી રહ્યા છે.