નાકરાવાડીએ ‘નાક’ કાપ્યું: સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો કરુણ રકાસ!
કેન્દ્ર સરકાર દ્વારા દેશના સ્વચ્છ શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાત માટે ગૌરવરૂપ કહી શકાય તે રીતે સુરત સ્વચ્છ શહેરોની યાદીમાં ઈન્દોર સાથે સંયુક્ત રીતે પ્રથમ ક્રમે આવ્યું છે. જો કે વાત જ્યારે રાજકોટની આવે ત્યારે આ વખતે તે ટોપ-૧૦માંથી પણ બહાર ફેંકાઈ જતાં `સ્વચ્છ રાજકોટ’ના બણગા ફૂંકતા અધિકારીઓ-પદાધિકારીઓને નીચાજોણું થયું છે ! આ યાદીમાં રાજકોટ ૧૦ લાખની વસતી ધરાવતા શહેરોમાં ૧૫મા તો ૧ લાખથી વધુની વસતી ધરાવતાં શહેરોમાં છેક ૨૯મા ક્રમે ધકેલાઈ ગયું છે.
ઘણા રાજ્યો જૂના કચરાની વાત છૂપાવે છે, રાજકોટે નથી છુપાવી: મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ
આ અંગે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટનો ક્રમ પાછળ જવા પાછળ મુખ્યત્વે નાકરાવાડી ખાતે એકઠો થયેલો કચરો જ છે. આ ઉપરાંત બાંધકામ વેસ્ટનો યોગ્ય નિકાલ નહીં થવાને કારણે તેના માર્કસ પણ કપાયા છે. જો કે સાથે તેમણે એમ પણ કહ્યું કે ઘણા રાજ્યો પોતાને ત્યાં જૂનો કચરો પડ્યો હોવાની વાત છુપાવે છે પરંતુ રાજકોટે તે વાત છુપાવી નથી કેમ કે આ રીતે છુપાવાથી તે કચરાના નિકાલ માટેની ગ્રાન્ટ અટકી જાય છે. હવે મહાપાલિકા છ મહિનાની અંદર જ આ કચરાનો નિકાલ કરી નાખવાનો ઈરાદો ધરાવે છે અને આવતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો નંબર ઘણો સારો આવશે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.