રાજકોટના એલઆરડી ભરતી કૌભાંડનો આંક 100 સુધી પહોંચશે
રૂપિયા આપી એલઆરડી તાલીમના બનાવટી ઓર્ડર ખરીદનાર 8 ઉમેદવારો 6 દિવસના રિમાન્ડ ઉપર
રાજકોટમાં એલઆરડી ભરતી કૌભાંડ મામલે ક્રાઈમ બ્રાંચે નકલી તાલીમ ઓર્ડર ખરીદનાર આઠ ઉમેદવારોની ધરપકડ કરી તમામના 6 દિવસના રિમાન્ડ ઉપર વિશેષ પુછતાછ શરૂ કરી છે. આ પ્રકરણમાં ધરપડકનો આંક 100 સુધી પહોંચે તેવી શક્યતા છે. પોલીસ સંકજમાં રહેલા આ આઠેય ઉમેદવારોએ એલઆરડીમાં સીધી તાલીમ મેળવવા માટે ૪ થી ૬ લાખ એજન્ટોને આપ્યા હોવાનુ જાણવા મળ્યું છે. આઠ ઉમેદવારોની ધરપકડ બાદ અત્યારે સુધીમાં ધરપકડનો આંક ૧૫ થયો હતો જ્યારે હજુ સૂત્રધાર હિતેશ અને દેવરાજ બન્ને પોલીસ પકડથી દૂર હોય તેને પકડી લેવા ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે.
એલઆરડીની તાલીમનો નકલી ઓર્ડર લઈ આવેલ શિવરાજપુરના પ્રદિપ મકવાણાને ઝડપી લીધા બાદ તેના માસા ભાવેશ અને માસાના ભાઈ બાલાની ધરપકડ બાદ પૂછપરછમાં ચોટીલાના ભાઈ-બહેન સીમાબેન સવશીભાઇ સાકરીયા, સાગર સવશીભાઇ સાકરીયા અને ધીરાભાઇ ઉફે ધીરૂભાઇ ગોવીંદભાઇ ખોરાણી, રમેશભાઇ ગોનવિંદભાઇ ઓળકીયાની ધરપકડ બાદ રૂપિયા આપી તાલીમના બનાવટી ઓર્ડર ખરીદનાર સિધ્ધાર્થ ભનુભાઈ સોનારા,જસદણના બરવાળાગામનો શૈલેષ દિનેશભાઈ નાગડકીયા,હિતેશ જેન્તીભાઈ કુકડીયા,રવિ હરીભાઈ રાજાસરા (રહે.લાખાવડ),હર્દિશ નાજાભાઈ વાધેલા (રહે.ખાનપર),બહાદુર સોરાણી (રહે.ઢોકળવા),દિનેશ ગગજીભાઈ માલકીયા (રહે.હિરાસર),વિજય માનસીંગભાઈ ખોરાણી (રહે. ચિરોડા) ની ધરપકડ કરી તમામની છ દિવસના રિમાન્ડ મેળવી તમામની વિશેષ પુછતાછ કરતા તેને એલઆરડીની ભરતીમાં નાપાસ થયા હોવા છતા તેને નોકરી અપાવી દેવાની લાલચ આપી એજન્ટ મારફતે ૪ થી ૫ લાખ આપ્યા હોવાનુ જણાવ્યું હતું. આ કૌભાંડમાં ધરપકડનો આંક 100 સુધી પહોંચે તેવી શક્યતા છે. ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલની સૂચના અને એસીપી બી. બી. બસિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના પી.આઈ વાય. બી. જાડેજા સાથે પીએસઆઈ એ. એન. પરમાર અને તેમની ટીમ વધુ તપાસ ચલાવી રહી છે.