રાજકોટની દબંગ ગર્લ પૂજા 16 વર્ષથી મોતના કૂવામાં કરે છે બુલેટ સાથે સ્ટંટ
લોકમેળામાં જોવા મળશે અવનવા કરતબ કરતી રાજકોટની એકમાત્ર દીકરી
આજના આધુનિક યુગમાં મહિલાઓ પણ પુરુષો સાથે કદમથી કદમ મિલાવી રહી છે અને સરકારી અધિકારી થી લઈને ઉદ્યોગમાં પણ આજના સમયમાં મહિલાઓ પ્રતિનિધિત્વ કરી રહી છે. ત્યારે રાજકોટમાં શરૂ થઈ રહેલા રસરંગ લોકમેળામાં મોતના કૂવામાં જોખમી સ્ટંટ કરતી રાજકોટની યુવતી નજરે પડશે.
રાજકોટની આ દબંગ ગર્લનું નામ છે પુજા ચૌહાણ.જે મોતના કુવામાં બુલેટ સાથે જોખમી સ્ટંટ કરીને લોકોના દિલ જીતી રહી છે.એક દિકરી થઈને મોતના કુવામાં પોતાનો જીવ જોખમમાં મુકીને સ્ટંટ કરે છેત્યારે લોકો પણ આ દિકરીના કામને ખુબ આવકારી રહ્યાં છે.
મોતના કૂવામાં જોખમી સ્ટંટ કરવા અંગે પૂજાએ જણાવ્યું હતું કે, મારે નાનપણથી જ કંઈક અલગ કરવું હતું.જ્યારે પણ જન્માષ્ટમીના મેળા કે અન્ય મેળામાં જતી તો તે મોતનો કુવો જોવા માટે ચોક્કસ જતી હતીઅને બસ તેને ત્યારથી જ મન બનાવી લીધુ હતું કે તે પણ એક દિવસ સ્ટંટ કરશે.આ માટે તેણીએ તાલિમ લેતી વખતે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પુજા રાજકોટની એક માત્ર એ દિકરી છે કે જે મેળામાં મોતના કુવામાં જોખમી સ્ટંટ કરીને લોકોના દિલ જીતી રહી છે. તેણીએ જણાવ્યું હતું કે, આ મારો શોખ છેઅને લોકો તરફથી પણ મને સારો રિસ્પોન્સ મળે છે.
પુજા આ વ્યવસાય સાથે છેલ્લા 16 વર્ષથી જોડાયેલી છે. તેણીનું કહેવુ છે કે આ સ્ટંટ કરવા રિસ્કી તો છે જ. એક છોકરો હોય કે છોકરીદરેક માટે આ રિસ્ક જ હોય છે.જ્યારે સ્ટંટ કરવાની ટ્રેનિંગ લઈ રહ્યાં હોય ત્યારે નાના-મોટા અકસ્માત પણ થાય છેપણ તેનાથી તે ક્યારેય ડરી નથી.મોતના કુવામાં સ્ટંટ કરવા માટે બધાને અલગ અલગ કેટેગરી આપાવમાં આવી હોય છે.જેમ કે કોઈ છોકરી ફોરવ્હીલ સાથે સ્ટંટ કરે તો કોઈ બાઈક-બુલેટ સાથે સ્ટંટ કરે.પુજાનું કહેવુ છે કે બાઈક સાથે સ્ટંટ કરવાનો હોય કે ફોરવ્હીલ સાથે દરેક સ્ટંટ કરવામાં જોખમ તો હોય જ છે.અમારી સાથે ભગવાનની દુવા હોય છે અને અમારૂ મન મજબુત હોય એટલે અમે આ ખતરનાક સ્ટંટ કરી શકીએ છીએ.
દિકરીઓએ તેમને ગમતા વિષયમાં હિંમત સાથે આગળ વધવું જોઈએ: પુજા
રાજકોટ લેવલે પુજા એક માત્ર એવી છોકરી છે કે જે મેળામાં મોતના કુવાની અંદર બુલેટ સાથે અલગ અલગ સ્ટંટ કરીને લોકોના દિલ જીતે છે.અન્ય દિકરીઓને અપિલ કરતા કહ્યું હતું કે બસ તમારી અંદર હિંમત અને ધગસ હોવી જોઈએ.કારણ કે એક છોકરી પણ ઘણું બધુ કરી શકે છે.તમારૂ મન મક્કમ હશે તો તમે કોઈ પણ આગળ વધી શકશો.એટલે દરેક દિકરીઓએ તેને ગમતા વિષયમાં ચોક્કસથી હિંમત સાથે આગળ વધવું જ જોઈએ.