આ દિવાળીએ રાજકોટિયન્સ 250 કરોડના ડ્રાયફ્રુટ ખાઈ જશે
75 કરોડની ચોકલેટની મીઠાશ:25 ટકા ભાવ વધારો છતાં ફેમિલી અને કોર્પોરેટક્ષેત્રમાં આ વર્ષે સુકામેવાની ડિમાન્ડ વધી
દિવાળી એટલે શુભેચ્છાઓનું પર્વ,હવે બદલાતા ટ્રેન્ડ અનુસાર દિવાળીના આ પર્વમાં ગિફ્ટ સાથે શુભેચ્છા આપવાનું મહત્વ વધ્યું છે.સ્નેહીજનો,મિત્રો,કર્મચારીઓ કે પછી કોર્પોરેટ ક્ષેત્ર હોય ત્યાં હવે ડેકોરેટિવ પેકિંગ સાથે ગિફ્ટ આપવાનું વધારે પસંદ પડી રહ્યું છે અને આ કોર્પોરેટ કે બોક્સ માં સૌથી વધારે ડ્રાયફ્રુટ પર ભાર મૂકવામાં આવે છે. ડ્રાયફ્રુટની સાથે હવે ચોકલેટનો પણ ટ્રેન્ડ વધ્યો છે જેના લીધે રાજકોટનું માર્કેટ આખા વર્ષમાં વેપાર નથી કરતો તેનાથી વધુ દિવાળીના આ 15 દિવસ દરમિયાન વેપાર કરે છે.
રાજકોટમાં ડ્રાયફૂટના વેપારની વાત કરીએ તો 250 કરોડનો વેપાર આ સેકટર છે. ચોકલેટનો બિઝનેસ 75 કરોડનો રહ્યો છે. સુકામેવાના વેપારમાં હોલસેલથી માંડી રિટેલર અને અલગ અલગ કરિયાણાના વેપારીઓ છે. જ્યારે ચોકલેટમાં આઉટલેટ ની સાથે હવે ઘરે બેસીને પણ મહિલાઓ ચોકલેટના બિઝનેસ સાથે સંકળાયેલી છે.
કોરોના પછી મીઠાઈ કરતા તંદુરસ્તીને ધ્યાન રાખી લોકો ડ્રાયફ્રુટ ને વધારે પસંદ કરી રહ્યા છે. સામાન્ય રીતે સૂકામેવો શિયાળાની ઋતુ અને પ્રસંગોપાસ વધારે વપરાતો હોય છે. જ્યારે કોરોના પછી હવે બારે મહિના ડ્રાયફ્રુટ નો વપરા થવા માંડ્યો છે તેવું સ્થાનિક ટ્રેડરે જણાવ્યું હતું. ખાસ કરીને દિવાળીના પર્વ પર એકબીજાને ગિફ્ટ આપવા માટે ડ્રાયફ્રુટ અને ચોકલેટ પર સૌથી વધારે ભાર મૂકવામાં આવે છે જેમાં કાજુ, બદામ,કિસમિસ,અંજીર ઉપરાંત હવે તો વિવિધ પ્રકારના સીડસ જેમ કે પમકીન,સનફલાવર સિડ્સ આ ગિફ્ટ પેકિંગમાં આપવાનું મહત્વ વધ્યું છે.
આ વર્ષે દિવાળી પૂર્વેજ સુકામેવાના ભાવમાં 25% થી વધુ નો વધારો આવ્યો છે જેમાં ખાસ કરીને કાજુ અને અખરોટના ભાવ આસમાને પહોંચ્યા છે તેમ છતાં આ વખતે દિવાળીમાં લોકો ડ્રાયફ્રુટ ની ગિફ્ટ આપીને દિવાળી સાથે નવું વર્ષ હેલ્ધી રહે તેવી શુભેચ્છાઓ આપશે.
આ વર્ષે બાળકો જ નહીં વડીલોને ચોકલેટ ફટાકડા ખાવાની મજા પડશે:ખુશ્બૂ ગોસ્વામી
રાજકોટમાં આ વર્ષે નાના બાળકો અને મોટેરાઓને ગમે તેવી ફટાકડા સ્ટાઈલ ની ચોકલેટ ધૂમ મચાવી છે જેમાં ચોકલેટ ફટાકડા નામ આપવામાં આવ્યું છે.દિવાળીનો ફટાકડા ફોડો નહીં પણ ફટાકડા ખાય જવાના.. આવા ફટાકડા બનાવ્યા છે રાજકોટની ખુશ્બુ ગોસ્વામીએ.. જેઓ દિવાળીના તહેવાર પર દર વર્ષે બાળકો માટે સ્પેશિયલ ફટાકડા ચોકલેટ બનાવે છે.
ખુશ્બુબેન ગૌસ્વામી ફટાકડા ચોકલેટમાં બોમ્બ ચોકલેટ, રોકેટ ચોકલેટ, શંભુ ચોકલેટ, ચકરી ચોકલેટ, પેન્સિલ બોમ્બ, લાદી બોમ્બ, સુતરી બોમ્બ ચોકલેટ, રોકેટ ચોકલેટ સહિત અલગ અલગ વેરાયટીની તેઓ ચોકલેટ બનાવે છે.અને લોકો આ ચોકલેટની ખરીદી પણ મોટા પ્રમાણમાં કરે છે.આ ફટાકડા ચોકલેટ બનાવવા માટે તેના મોલ્ડ્સ અને સ્લેબ્સ આવે છે.તેઓ આ ચોકલેટમાં કોઈ એસન્સનો ઉપયોગ કરતા નથી.આ સ્લેબને ઓગાળીને ફટાકડાના મોલ્ડ્સમાં ઢાળવામાં આવે છે.જે બાદ તેના પછી તેના પર સ્ટીકર લગાવવામાં આવે છે. ખુશ્બુબેનની આ ચોકલેટ માત્ર રાજકોટમાં જ નહીં પણ દેશ-વિદેશમાં પણ જાય છે.આ ફટાકડા ચોકલેટમાં ડાર્ક ચોકલેટ તેમજ ડ્રાયફ્રુટ મોટા પ્રમાણમાં નાખવામાં આવે છે.
અનોખી સજાવટ સાથે ગિફ્ટ આપવાનો ટ્રેન્ડ:ઝંખના કોઠારી
દિવાળી ગિફ્ટમાં પણ હવે અવનવા પેકિંગનો ટ્રેન્ડ આવી ગયો છે. હવે કોઈપણ નાની એવી ગિફ્ટ હોય તો પણ તેને સુંદર રીતે સજાવટ કરીને આપવાની ફેશન આવી ગઈ છે ખાસ કરીને ગિફ્ટ પેકિંગમાં અવનવી સજાવટ સાથે જો આપણા સ્વજનને ગિફ્ટ આપીએ તો ખૂબ જ પસંદ પડે છે, આવી જ ગિફ્ટ પેકિંગ સાથે સંકળાયેલા ઝંખના કોઠારી કહે છે કે, ગિફ્ટ મીઠાઈ કે ચોકલેટ કે પછી ડ્રાયફ્રુટ કંઈ પણ આપી એ તો તેમાં આપણો પ્રેમ રહેલો છે પરંતુ જ્યારે તેમાં ફુલ અને ડેકોરેશનની વસ્તુથી સજાવટ કરીને આપીએ તો આપનાર અને લેનાર બંને ખુશ થઈ જાય છે. રાજકોટમાં પણ હવે મેટ્રોસિટી ની જેમ આ ક્રેઝ વધી ગયો છે. નવરાત્રી શરૂ થાય તે પહેલા જ દિવાળી ગિફ્ટના ઓર્ડરો આવી જાય છે. કોર્પોરેટની સાથે હવે લોકો પણ આ રીતે ગિફ્ટ આપતા થયા છે.