આકાશી મેળાની મોજ માણતાં રાજકોટીયન્સ:રાસ-ગરબાની રમઝટ સાથે આતશબાજી
કાઇપો…છે….લપેટ…લપેટ..ઉડી..ઉડી..જાય…ની બુમરાડો સાથે રંગબેરંગી પતંગોના લાગ્યા પેચ:પવનએ સાથ આપતાં મોડી સાંજ સુધી અગાશી પર પતંગબાજોનો રહ્યો પડાવ
રાજકોટમાં મન મૂકી ને મકરસંક્રાંતિની મોજ સાથે ઉજવણી થઈ હતી. આખો દિવસ આભમાં રંગબેરંગી પતંગોની રંગોળી અને રાત્રે આતશબાજી સાથે પતંગઉત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષ કરતાં આ વર્ષે સુસવાટા મારતા પવનના લીધે પતંગ પ્રેમીઓએ ધાબા પર મોડો પડાવ નાંખ્યો હતો.
સવારે 10 વાગ્યા બાદ પતંગબાજોએ અગાશી પર સામ્રાજય જમાવ્યું હતું, આ વર્ષે બાળકો અને યુવાનોની વડીલો પર પતંગો ઉડાડતા નજરે પડ્યા હતા.એ કાઇપો છે…..ચલી ચલી રે પતંગ મેરી….હું છું પતંગ અને તું છે દોર…. એવા ગીતો સાથે મ્યુઝિક સિસ્ટમ પર મોડી રાત્રે સુધી ગીત અને ગરબાઓની જમાવટ વચ્ચે પતંગ પ્રેમીઓએ પતંગોના પેચ માર્યા હતા.બુમરણો,બ્યુગલના અવાજ,થાળી વગાડી આકાશી પર્વની જોરશોરથી ઉજવણી બાદ સાંજે પણ એ જ ઉત્સાહ સાથે ગરબાની રમઝટ જામી હતી.
મકરસંક્રાંતિએ પતંગ ઉત્સવ સાથે દાન પુણ્યના મહા અવસરને પણ મનાવવામાં આવ્યો હતો. ભાવિકોએ ગૌમાતા નું પૂજન સાથે શહેરમાં દાન માટેના અવિરતદાન રહ્યું હતું. મનોરંજનના આનંદ સાથે લોકોએ દાન પુણ્ય કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.