દિવાળી પર ફરવા પાછળ રાજકોટ ખર્ચી નાખશે ૩૦ કરોડ !!
લાં…બી રજા મળતી હોવાથી ફરવા જવા માટે લોકોનો જોરદાર ધસારો
૧૦ નવેમ્બરથી દિલ્હી-ગોવાની ટિકિટનો ભાવ ૨૦થી ૨૨ હજાર રૂપિયા પહોંચ્યો છતાં ટિકિટ માટે લાવ…લાવ: મુંબઈ તરફ આ વખતે ટ્રાફિક ઠંડો': રાજકોટમાં કાર્યરત ૯૮૦ ટ્રાવેલ્સ એજન્ટસને દિવાળી
ફળે’ તેવો વરતારો
ભારતમાં ફરવા માટે ઉત્તરાખંડ, રાજસ્થાન, કેરેલા તો વિદેશમાં સિંગાપુર-મલેશિયા, વિયેતનામ, દુબઈ, થાઈલેન્ડ તરફ સહેલાણીઓની દોટ: કોઈ જગ્યાએ ફરવા માટે ૯ તો કોઈ જગ્યાએ ૭ નાઈટના પેકેજ ધડાધડ બુક
દિવાળી બારણે ટકોરા મારી રહી છે અને તહેવારોના `રાજા’ને મન ભરીને માણવા માટે લોકો રીતસરનો થનગનાટ અનુભવી રહ્યા છે. સોનામાં સુગંધ ભળી ગઈ હોય તેવી રીતે આ વખતે દિવાળીનો તહેવાર રવિવારથી શરૂ થતો હોય એકંદરે રાજકોટમાં દિવાળી પછીના સપ્તાહ સુધી રજાનો માહોલ જોવા મળી શકે છે. આટલી લાં…બી રજા મળી રહી હોવાથી લગભગ દર ચોથા પરિવારે ફરવા જવા માટેનું પ્લાનિંગ કરી લીધું હોવાનું ચિત્ર અત્યારે ઉપસ્થિત થઈ રહ્યું છે. એક અંદાજ પ્રમાણે દિવાળી પર રાજકોટીયન્સ અધધ ૩૦ કરોડનો ખર્ચ કરી નાખશે !!
રાજકોટમાં અત્યારે ડૉમેસ્ટિક તેમજ ઈન્ટરનેશનલ ફ્લાઈટસ-પેકેજનું બુકિંગ કરતાં અંદાજે ૯૮૦ જેટલા ટ્રાવેલ્સ એજન્ટસ કાર્યરત છે ત્યારે નાના એજન્ટસ ૧૦ લાખથી વધુનું તો મોટા ગણાતાં ટ્રાવેલર્સનો બિઝનેસ ૫થી ૮ કરોડની વચ્ચે રહેવાનો અંદાજ છે.
કોઈ પણ તહેવાર હોય એટલે રાજકોટથી દિલ્હી-મુંબઈ અને ગોવા જવા માટે ધસારો વધુ જ રહેતો હોય છે જેના કારણે એરલાઈન્સ દ્વારા તહેવાર ઉપર ટિકિટનો ભાવ વધારી દેવામાં આવતો હોય છે. આવી જ રીતે આ વર્ષની દિવાળી પર ગોવા અને મુંબઈ તેમજ દિલ્હી તરફ ધસારો વધુ હોય ટિકિટના ભાવ આકાશને આંબી રહ્યા છે. જાણવા મળ્યા પ્રમાણે ૧૦ નવેમ્બરથી ગોવા-દિલ્હીની ફ્લાઈટનો ભાવ ૨૦થી ૨૨૦૦૦ રૂપિયા થઈ ગયો છે. ગોવાની ફ્લાઈટની ૧૦ નવેમ્બરે ૧૦,૦૦૦+ (વન-વે), ૧૧ નવેમ્બરે ૧૦૭૦૦+ (વન-વે) ભાવ પહોંચી ગયો છે. જ્યારે ૧૩થી ૧૮ નવેમ્બર સુધીનો ભાવ ૯૦૦૦+ થયો છે. બીજી બાજુ રાજકોટથી ગોવાની એક જ ફ્લાઈટ હોય ટિકિટ બુકિંગ માટે રીતસરની પડાપડી થઈ રહી છે. આવી જ રીતે દિલ્હીની ટિકિટનો ભાવ પણ ૨૦થી ૨૨,૦૦૦ની વચ્ચે હોવાનું જાણવા મળી રહ્યું છે.
હરવા-ફરવાના સ્થળની વાત કરવામાં આવે તો ભારતમાં કેરેલા, ઉત્તરાખંડ, રાજસ્થાન સહિતના રાજ્યો ફેવરિટ છે. જ્યારે વિદેશમાં સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ, દુબઈ તરફ ધસારો વધુ જોવા મળી રહ્યો છે. એકંદરે આ વખતની દિવાળી રાજકોટના ટ્રાવેલર્સ માટે શુકનવંતી સાબિત થવાનો વરતારો મળી રહ્યો છે.
વિયેતનામ માટે એક વ્યક્તિદીઠ ૧.૨૦ લાખ, દુબઈ માટે ૧.૦૯ લાખ, થાઈલેન્ડ માટે ૫૦ હજારનું પેકેજ
રાજકોટથી વિદેશ જવા માટે આ વખતે જબદરસ્ત ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે પેકેજના ભાવ પણ ઉંચકાયા છે. એક વ્યક્તિદીઠ પેકેજની વાત કરવામાં આવે તો વિયેતનામ માટે ૧.૨૦ લાખ (૯ નાઈટ), દુબઈ માટે ૧.૦૯ લાખથી ૧.૪૦ લાખ (૬ નાઈટ), થાઈલેન્ડ માટે ૪૦થી ૫૦ હજાર (૫ નાઈટ) અને સિંગાપોર-મલેશિયા માટે ૧.૪૫ લાખ (૭ નાઈટ)નું પેકેજ મળી રહ્યું છે જેનું બુકિંગ ધડાધડ થઈ રહ્યાનું જાણવા મળ્યું છે.
આજથી ટિકિટ બુકિંગ માટે પડાપડી થશે જે મંગળવાર સુધી ચાલશે
ટ્રાવેલ્સ એજન્ટોના જણાવ્યા પ્રમાણે ૧ નવેમ્બરથી ૭ નવેમ્બર વચ્ચે ફ્લાઈટ તેમજ પેકેજ બુકિંગ માટે લોકોનો ધસારો જોવા મળશે. દિવાળી ૧૨ નવેમ્બરને રવિવારે હોવાથી મહત્તમ પરિવારો તહેવાર ઘેર માણ્યા બાદ ફરવા ઉપડશે અને એક સપ્તાહ બાદ પરત ફરશે જેને લઈને રિટર્ન ટિકિટ માટે પણ એટલી જ માંગ જોવા મળી શકે છે.