રાજકોટને કુદરતે ૧૫ દિ’નું, સરકારે ત્રણ મહિનાનું પાણી આપી દીધું
માવઠું શહેરને ફળ્યું હોય તેવી રીતે આજી-૧ ડેમમાં પખવાડિયું ચાલે તેટલું ૨.૫૬ ફૂટ નવું નીર આવ્યું: સરકારે સૌની યોજના' મારફતે માર્ચ સુધી ચાલે તેટલું ૭૦૦ એમસીએફટી પાણી આપ્યું; જો કે તે વેચાતું મળ્યું !
ભરશિયાળે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કમોસમી વરસાદ, કરાં તેમજ બરફવર્ષા જોઈને સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા.
કુદરતની આ
કળા’ને કારણે ખેડૂતોને મોટું નુકસાન ગયું હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ રાજકોટ શહેરને આ માવઠું ફળ્યું હોય તેવી રીતે કમોસમી વરસાદને કારણે ૧૫ દિવસ ચાલે તેટલું પાણી આજી-૧ ડેમમાં ઠલવાઈ ગયું છે. આ સાથે જ સોનામાં સુગંધ ભળી હોય તેવી રીતે સરકારે પણ શહેરને ત્રણ મહિના સુધી ચાલે તેટલું પાણી સૌની યોજના મારફતે નર્મદા ડેમમાંથી ઠાલવી દીધું હોય હવે રાજકોટે માર્ચ મહિના સુધી પાણી બાબતે જરા પણ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.
રવિવારે સવારથી લઈ સાંજ સુધી રાજકોટ શહેર તેમજ ઉપરવાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે આજી-૧ ડેમમાં નવું પાણી ઠલવાયું હતું. વરસાદ પહેલાં ડેમની સપાટી ૧૮.૧ ફૂટ હતી જે મંગળવારે વધીને ૨૦.૫૭ ફૂટે પહોંચી ગઈ છે. આ રીતે ૨.૫૬ ફૂટનો વધારો થવા પામ્યો છે. આટલું પાણી રાજકોટને ૧૫ દિવસ સુધી આરામથી ચાલે તેટલું છે. રાજકોટના મહત્તમ વિસ્તારોને પીવાના પાણીની સપ્લાય આજી-૧ ડેમમાંથી જ થઈ રહી હોય આ પાણી શહેર માટે ઘરું જ ઉપયોગી સાબિત થશે.
બીજી બાજુ ૨૯ ફૂટની ઉંડાઈનો આજી ડેમ માવઠાને કારણે ૨૦.૫૭ ફૂટે પહોંચ્યા બાદ સાંજે સરકાર દ્વારા સૌની યોજના મારફતે નર્મદા નીર છોડવામાં આવતાં ડેમ છલોછલ ભરાઈ ઉઠ્યો હતો. આ પાણીને વધાવવા માટે મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્યો-સાંસદો, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષ રાડિયા, મ્યુનિ.કમિશનર આનંદ પટેલ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ડેમ સાઈટ પર પહોંચ્યા હતા અને હર્ષભેર નવા પાણીનું `વેલકમ’ કર્યું હતું.
સરકાર પાસેથી તબક્કાવાર નર્મદા નીર લેવાશે
મહાપાલિકાના ઈજનેરી સૂત્રોએ જણાવ્યું કે સરકાર પાસે કુલ ૧૮૦૦ એમસીએફટી પાણીનો જથ્થો સૌની યોજના મારફતે માંગવામાં આવ્યો છે. આ પાણી બે તબક્કે લેવામાં આવશે. કુલ ૧૮૦૦ એમસીએફટીમાંથી ૭૦૦ એમસીએફટી પાણી ઠલવાઈ ચૂક્યું છે જે માર્ચ મહિના સુધી ચાલશે. આ પછી બાકીનો જળજથ્થો બીજા તબક્કામાં મંગાશે જે જૂલાઈ સુધી ચાલશે. જો કે આ જથ્થો સરકાર પાસેથી વેચાતો લેવામાં આવી રહ્યો છે.