રાજકોટ : 2 લાખની લોન અપાવી લોકોને ‘પગભર’ બનાવશે મહાપાલિકા
૭% ઉપર બેન્કનું વ્યાજ હશે તો સબસીડી પણ અપાશે: પાંચથી સાત વર્ષની અંદર લોન ભરપાઈ કરવાની રહેશે
ઘણા લોકો એવા હોય છે જેમની પાસે ધંધો-રોજગાર શરૂ કરવાના આઈડિયા તો ઘણા હોય છે પરંતુ પૈસા ન હોવાથી તેઓ મુંઝવણ અનુભવી રહ્યા હોય છે. આવા લોકોને હવે મહાપાલિકા અલગ-અલગ બેન્કો મારફતે બે લાખ રૂપિયા સુધીની લોન અપાવી તેમને પગભર બનવા માટે મદદરૂપ બનશે.
મહાપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા ડીએવાય-એનયુએલએમ બેન્કેબલ યોજના દ્વારા ધંધો-રોજગાર શરૂ કરવા માટે બે લાખની લોન અપાવાશે. આ યોજના હેઠળ લોન લેનારા લાભાર્થીને ૭%થી વધુ વ્યાજ હશે તો વ્યાજ સબસીડી પણ મળશે. આ યોજનાનો લાભ મેળવવા માટે સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજનાનું બીપીએલ કાર્ડ, બીપીએલ રેશનકાર્ડ, આવાસના લાભાર્થી તેમજ અનુ.જાતિ, અનુ.જન જાતિના લાભાર્થીઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત કાર્ડ હોવું જરૂરી છે. ૨ લાખની લોન ભરપાઈ કરવાનો સમયગાળો પાંચથી સાત વર્ષ સુધીનો રહેશે.
આ માટે ૨ પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાનકાર્ડ, સ્કૂલ લિવિંગ-જન્મનો દાખલો, મકાન વેરાબિલ, ડ્રાઈવિંગ લાયસન્સ (વાહન લોન માટે), લાઈટબિલ, ભાડે રહેતા હોય તો ભાડા ચીઠ્ઠી-સહમતિ પત્ર, અસલ ક્વોટેશન અને બેન્ક ખાતાની પાસબુકની નકલ સાથે મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે એનયુએલએમ-સેલનો સંપર્ક કરવાનો રહેશે.