રાજકોટના મંદિરમાં ધરાવાય છે ફાસ્ટફૂડનો પ્રસાદ … જુઓ ખાસ સ્ટોરી…
સૌરાષ્ટ્ર તો સંતોની ધરતી કહેવામાં આવે છે. અહી અનેક મોટા મંદિર ઉપરાંત સંતોના આશ્રમ આવેલા છે કે 24 કલાક ભક્તો માટે પ્રસાદ સ્વરૂપે ભોજન આપવામાં આવે છે. ત્યારે રાજકોટમાં એક એવું મંદિર છે કે જ્યાં મંદિરમાં મહિલાઓ પોતાની શ્રધ્ધા અને ભક્તિ સાથે સંતાનપ્રાપ્તિ માટે, સંતાનોના સારા સ્વાસ્થય માટે વ્રત કરે છે અને વ્રતના ફળસ્વરૂપે અનેક મહિલાઓની મનોકામના પૂર્ણ થતી હોવાનું પણ માનવામાં આવે છે. મંદિરની એક વિશેષતા એ પણ છે કે અહી પ્રસાદી સ્વરૂપે સાકર, શ્રીફળ નહિ પરંતુ ફાસ્ટફૂડ ધરાવવામાં આવે છે.
રાજકોટનાં રાજપૂતપરા શેરી નં.3માં આવેલા માં જીવંતીકા માતાજીના મંદિર અલગ જ વિશેષતા ધરાવે છે. આ મંદિરમાં બિરાજતા હાજરાહજુર માતાજીને ભક્તો દ્વારા માતાજીને પીઝા, પાણીપુરી, દાબેલી જેવા ફાસ્ટફૂડ ધરાવવામાં આવે છે. હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં દર શુક્રવારે જીવંતીકા માતાજીનું વ્રત રાખવામાં આવે છે. આ મંદિરમાં માતાજીના દર્શનાર્થે રાજકોટ ઉપરાંત આસપાસના અન્ય શહેરોમાંથી પણ ભક્તો ઉમટી પડે છે આ મંદિર જીવંતીકા માતાજીનું આધ્ય સ્થાન છે. જેનો 18 પુરાણમાના એક પુરાણ એવા સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે.
જીવંતીકા માતાજીને બાળકોના માતાજી પણ કહેવામાં આવે છે. માટે બાળકોની પ્રિય વસ્તુ માતાજીને ધરાવવામાં આવે તો માતાજી પણ ખુશ થાય છે. તેથી જ માતાજીને બાળકોની પ્રિય વસ્તુ પ્રસાદ સ્વરૂપે ધરવામાં આવે છે. જ્યારે જે મહિલાઓને સંતાન ન થતાં હોય, જેમના બાળકો માંદા-બિમાર રહેતા હોય કે પછી બાળકોનો વિકાસ/પ્રગતિ ન થતાં હોય તો તેમની માતા દ્વારા શ્રાવણ માસના શુક્રવારે વ્રત કરે છે. જેના ફળ સ્વરૂપે તેમની મનોકામના પૂર્ણ થતી હોય છે.