42 ડિગ્રી સાથે રાજકોટ ફરી ધગધગ્યું
સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમ રાજકોટ, અમરેલીમાં 41.8 ડિગ્રી
રાજકોટ ; હવામાન વિભાગની હિટવેવની આગાહી વચ્ચે મંગળવારે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર રાજકોટ રહ્યું હતું, રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રી પહોંચ્યો હતો, સવારે 8.30 વાગ્યામાં જ રાજકોટનું તાપમાન 30 ડિગ્રી પહોંચી ગયું હતું સાથે જ ભેજનું પ્રમાણ પણ ઘટીને 53 ટકા થઇ જતા રાજકોટમાં દિવસભર આકરોતાપ વરસ્યો હતો.
સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની આગાહી વચ્ચે સોમવારે રાજકોટમાં તાપમાનનો પારો 41.5 ડિગ્રી રહ્યા બાદ મંગળવારે રાજકોટમા મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું, સાથે જ મંગળવારે અમરેલીમાં 41.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.7, અમદાવાદમાં 41.6 ડિગ્રી, ભુજમાં 40.3 ડિગ્રી અને પોરબંદરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં વહેલી સવારથી જ મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડવાની સાથે લઘુતમ તાપમાનનો પારો પણ એક ડિગ્રી વધી ગયો હતો.