રાજકોટ : ઘંટેશ્વરમાં સિંધુભવન જમીન ફાળવણીમાં તપાસના આદેશ
રાજકોટની ભાગોળે ઘંટેશ્વરમાં ગામતળ માટે મંજુર કરવામાં આવેલ જમીન સિધુ ભવન ટ્રસ્ટને ફાળવી દેવામાં આવતા ગ્રામજનો દ્વારા વિરોધ કરી ગામતળમાં જમીન ફાળવણીમાં બાકી રહેલા લાભાર્થીઓને જમીન ફાળવવા ફરી એક વખત રજુઆત કરતા જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે તાલુકા મામલતદારને તપાસ સોંપી હોવાનું જણાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરની ભાગોળે આવેલા ઘંટેશ્વરમાં વસવાટ કરતા પ્રજાજનો માટે મંજુર કરવામાં આવેલ ગામતળની જમીનમાંથી સિધુ ભવન ટ્રસ્ટને જમીનની ફાળવણી કરવામાં આવતા ઘંટેશ્વરના ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન સાથે જિલ્લા કલેક્ટરને અગાઉ રજુઆત કર્યા બાદ ગુરુવારે ફરી રજુઆત માટે દોડી આવ્યા હતા.
બીજી તરફ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે તાલુકા મામલતદારને તપાસ સોંપી છે અને કેટલા લાભાર્થીઓને જમીન ફાળવણીના હુકમ થયા છે. કેટલા લાભાર્થીઓ બાકી રહી ગયા છે. તે અંગે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઘંટેશ્વરના ગ્રામજનોએ ગામતળ મંજુર થયા બાદ વર્ષો સુધી જમીનના કબ્જાની સોંપણી ન થતા ગ્રામજનોને લાભન મળ્યો હોવાનું તેમજ બાદમાં ઘંટેશ્વર ગામ રાજકોટ મહાનગર પાલિકામાં ભળી જતા હાલમાં અહીં વર્ષોથી વસવાટ કરતા નાગરિકો ઘરથાળના પ્લોટથી વંચિત રહી ગયા હોવાનો આરોપ લગાવી બાકી રહેતા લાભાર્થી ઓને જમીન ફાળવવામાં આવે તેવી માંગણી દોહરાવી હતી.