તમે માનશો ? રાજકોટમાં અત્યારે પીત્ઝા કરતાં વધુ વડાપાંઉની વેરાયટી મળે છે !
વડાપાંઉ ખાશું ? આ બે શબ્દ જો ૧૦ લોકોને પૂછાય તો ૮ લોકો આંગળી ઉંચી કરીને કહેશે હા'
પિત્ઝામાં વધીને ૨૦ જેટલી વેરાયટી ઉપલબ્ધ, સામે વડાપાંઉમાં ૨૫ પ્રકારનું
વેરિયેશન’ અને તમામની ખૂબ જ ડિમાન્ડ: એક સમય હતો જ્યારે બટેટાનું વડું, પાંઉ, ચટણી’ને મરચા મળે એટલે ચાલ્યું જતું, હવે તો ચીઝ-માયોનિઝ સહિતની સામગ્રી ઉમેરાતાં પડી ગયો ટેસડો…!
સાંજના નાસ્તામાં વડાપાંઉ ન મળે એટલે અનેક લોકો થઈ જાય છે નિરાશ: ૫૦૦ જેટલા વેપારીને ત્યાંથી દરરોજ ૩,૦૦૦ નંગ વડાપાંઉનું વેચાણનો અંદાજ: એક વાત તો માનવી જ પડશે, વાનગી ભલે રાજકોટની ન હોય પરંતુ તેને અપનાવવા માટે આપણે ક્યારેય પાછા નથી પડતા
વડાપાંઉ ખાશું ? આ શબ્દને જો ૧૦ લોકોની વચ્ચે પૂછવામાં આવે તો ૧૦૦%ની ગેરંટી કે એ ૧૦માંથી ૮ લોકો ફટાક દઈને આંગળી ઉંચી કરીને પોતાનો જવાબ હા'માં જ આપશે ! આ પાછળનું મુખ્ય કારણ એ છે કે આ વાનગી અત્યારે નાના બાળકોથી લઈ મોટેરાઓ સુધીના લોકોમાં
ફેવરિટ’ બની ગઈ છે…ભલે આ વડાપાંઉ રાજકોટની ઉપજ' ન હોય પરંતુ આપણે બહારથી આવેલી વાનગીને સ્વીકારવામાં ક્યારેય પાછીપાની કરતા નથી તેવી જ રીતે વડાપાંઉને પણ આપણે આપણા જીવનનો એક ભાગ બનાવી લીધો છે. રાજકોટમાં અત્યારે પીત્ઝાની ધૂમ ચાલી રહી છે અને ઠેકઠેકાણે અલગ-અલગ વેરિયેશન મતલબ કે પ્રકારના પીત્ઝા ઉપલબ્ધ છે ત્યારે જાણીને તમને આશ્ચર્ય થશે અથવા તો કદાચ તમે માની પણ નહીં શકો કે રાજકોટમાં અત્યારે પીત્ઝા કરતાં વધુ વેરિયેશન વડાપાંઉમાં ઉપલબ્ધ છે ! પિત્ઝાની વાત કરવામાં આવે તો તેમાં વધીને ૨૦ જેટલી વેરાયટી ઉપલબ્ધ હોય છે પરંતુ વડાપાંઉમાં હાલની તકે ૨૫ જેટલી વેરાયટી બજારમાં મળે છે અને તમામ બિન્દાસ્તપણે ખવાઈ પણ રહી છે. એક સમય હતો જ્યારે વડાપાંઉમાં બટેટાનું વડું, પાંઉ, ચટણી અને મરચું જ ઉપલબ્ધ હતું પરંતુ હવે તો કદાચ વિચાર્યું પણ ન હોય તેટલી વેરાયટી રાજકોટમાં ઉપલબ્ધ છે. ખાસ કરીને જ્યારથી વડાપાંઉમાં ચીઝ, માયોનીઝ સહિતની સામગ્રી ઉમેરાવાનું શરૂ કરાયું ત્યારથી લોકોને ટેસડો પડી ગયો હોય તેમ વેચાણમાં પણ
કરંટ’ જોવા મળી રહ્યો છે. અત્યારે ૨૦ કે તેથી વધુ પ્રકારના વેરિયેન્ટ સાથેના વડાપાંઉ શહેરમાં બે કે ત્રણ જગ્યાએ જ ઉપલબ્ધ છે જ્યાં સવાર-સાંજ લોકોની ભીડ જ જોવા મળતી હોય છે. એક અંદાજ પ્રમાણે શહેરમાં અત્યારે ૫૦૦ જેટલા વડાપાંઉના નાના-મોટા વેપારીઓ છે જેમને ત્યાંથી ૩,૦૦૦થી વધુ નંગ વડાપાંઉનું વેચાણ થઈ રહ્યું છે. સાંજે ૪થી ૧૦ વાગ્યા દરમિયાન રાજકોટમાં વડાપાંઉની દુકાનો અને રેંકડીઓ ઉપર રીતસરનું કીડિયારું ઉભરાઈ રહ્યાના દૃશ્યો હવે રોજીંદા બની ગયા છે જે આ વાનગીની સફળતાની ગવાહી પૂરે છે.
૩૦ વર્ષ પહેલાં મુંબઈથી આવેલા સંજયભાઈએ કરાવ્યો’તો વડાપાંઉનો `ટેસ્ટ’
વડાપાંઉ એ મુળ મહારાષ્ટ્રની વાનગી છે અને રાજકોટને ૩૦ વર્ષ પહેલાં આવી કોઈ વાનગી હોય છે કે નહીં તેનો ખ્યાલ ન્હોતો. ૩૦ વર્ષ પહેલાં મુંબઈથી રાજકોટ આવેલા સંજયભાઈ કે જે હવે હયાત નથી તેમણે સૌથી પહેલો વડાપાંઉનો ટેસ્ટ કરાવ્યો હતો. શરૂઆતમાં તો લોકો આ નવીન વાનગી પ્રત્યે થોડો વિચાર કરતા પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ વડાપાંઉ ઝાપટવામાં વધારો જ થઈ રહ્યો છે જે હજુ સુધી અકબંધ છે.
જો જો…મોઢામાં પાણી ન આવી જાય ! આટલી વેરાયટીમાં વડાપાંઉ ઉપલબ્ધ
- બટર મસાલા
- મેગી ટેસ્ટ વડાપાંઉ
- મેક્સીકન વડાપાંઉ
- તંદુરી વડાપાંઉ
- પેરી પેરી વડાપાંઉ
- બટર સેઝવાન વડાપાંઉ
- ચીઝ માયોનીઝ વડાપાંઉ
- ચીઝ સેઝવાન વડાપાંઉ
- મેક્સીકન ચીઝ માયોનીઝ
- તંદુરી ચીઝ માયોનીઝ
- પેરી પેરી માયોનીઝ
- બટર ચીલી વડાપાંઉ
- ચીઝ ચીલી વડાપાંઉ
- કિંગમેકર વડાપાંઉ
ના હોય: એક જ વ્યક્તિ દસ-દસ વડાપાંઉ ઝાપટી જાય છે !!
રાજકોટમાં વડાપાંઉમાં વેરિયેશન લાવનારા બીજા વ્યક્તિ એવા શ્રીજી વડાપાંઉના જીજ્ઞેશભાઈ વાડોલિયા જણાવે છે કે અમારે ત્યાં એક જ વ્યક્તિ દસ-દસ વડાપાંઉ હાલની તકે ઝાપટી જાય છે. મહત્ત્વનું એ છે કે આ વડાપાંઉ સાદું નહીં બલ્કે ચીઝચીલી પ્રકારનું વડાપાંઉ હોય છે જે કદાચ એકાદ-બે ખાવ એટલે પેટ ભરાઈ જાય છે પરંતુ અનેક યુવાનો એવા આવે છે જેઓ દસના આંક સુધી ન પહોંચે ત્યાં સુધી તેમને મજા આવતી નથી !!
અનેક ઘરોમાં સાંજનું ડિનર હોય છે વડાપાંઉ
રાજકોટમાં અત્યારે અનેક એવા પરિવારો છે જેઓ સાંજના ડિનરમાં વડાપાંઉની જિયાફત ઉડાવતા હોય છે. આ પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે અને તેમાં કશું ખોટું છે તેવું કહી પણ ન શકાય કેમ કે વડાપાંઉ જો યોગ્ય મસાલા-વાનગીઓથી બનાવાય તો ખરેખર આરોગ્યવર્ધક હોય છે.
શા માટે બહાર જેવા વડાપાંઉ ઘરમાં નથી બનતા ?
ઘણા લોકોની ફરિયાદ હોય છે કે અમે બધો મસાલો વ્યવસ્થિત ઉપયોગ કરીએ છતાં બહાર જેવા વડાપાંઉ અમારાથી નથી બનતાં ! આ પ્રશ્નનો ઉત્તર આપતાં જીજ્ઞેશભાઈ વાડોલિયાએ કહ્યું કે ઘરોમાં જે ગેસની ફ્લેમ હોય છે તે દુકાનો જેવી હાઈફ્લેમ નથી હોતી, તે ઉપરાંત વધુ માત્રામાં વડા તળવામાં આવે એટલે તેનો ટેસ્ટ અલગ બની જાય છે. જ્યારે ઘરમાં મર્યાદિત માત્રામાં વડાનું તળન થતું હોવાથી સ્વાદમાં ફેર પડી જાય છે.
પાન-માવાના વ્યસને ટેસ્ટ બગાડ્યો, બે વર્ષથી `તીખાશ’ ઘટી ગઈ !
રાજકોટમાં પાન-માવાનું વ્યસન વધતું જાય છે તેની અસર લોકોના ટેસ્ટ ઉપર પણ પડી રહી છે. જે લોકોને વ્યસન હોય છે તેઓ હવે તીખું ખાવાનું ટાળી રહ્યા છે અથવા તો ખાઈ જ શકતા નથી. આ જ કારણથી છેલ્લા બે વર્ષથી રાજકોટમાં તીખાં તમતમતાં વડાપાંઉ ખાવાના ટે્રન્ડમાં ઘટાડો આવ્યો છે.