રાજકોટ માર્કેટિંગ યાર્ડની આવક રૂ.૧૨ કરોડ વધી
મુખ્ય યાર્ડ- સબ યાર્ડમાં અંદાજે રૂ.૨૫ કરોડથી વધુના વિકાસના કામો પરિપૂર્ણ કરાયા: જયેશ બોધરા
રાજકોટ માર્કેટિંગ યાર્ડની પ્રગતિમાં સતત વધારો થઈ રહ્યો છે. મુખ્ય યાર્ડ તેમજ સબ યાર્ડમાં અંદાજે રૂ.૨૫ કરોડથી વધુના વિકાસના કામો પરિપૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે યાર્ડની આવકમાં અંદાજે ૧૨ કરોડ જેટલો વધારો કરવામાં આવ્યો છે.
રાજકોટ માર્કેટિંગ માર્કેટિંગ યાર્ડનો પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, વર્તમાન ચેરમેન જયેશ બોઘરાએ જ્યારથી ચાર્જ સંભાળેલો છે ત્યારથી અસરકારક વહીવટથી સહકારથી સમૃધ્ધિનું સપનું સાકાર કરવામાં આવ્યું છે. માર્કેટિંગ યાર્ડની આવક રૂ.૨૫ કરોડથી રૂ.૩૭ કરોડ સુધી લઈ જવામાં આવી છે.
નાણાકીય વર્ષની શરૂઆતમાં જ વર્ષ દરમિયાન થનાર આવક, કરવામાં આવનાર ખર્ચ તેમજ વિકાસના કામો અને આવકના ધોરણો અંગે અગાઉથી જ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
ચાલુ વર્ષમાં ૮ કરોડથી વધુના વિકાસ કામો કરાશે
મુખ્ય યાર્ડ તેમજ સબયાર્ડમાં અંદાજિત ૨૫ કરોડથી વધુના વિકાસ કામો પરિપૂર્ણ કરવામાં આવ્યા છે. મગફળી ઉતરાઈ માટે નવા આધુનિક પીઇબી શેડ, ડુંગળીની ઉતરાઈ માટે નવા શેડ, પેવર ગ્રાઉન્ડ, નવું કોર્પોરેટ વહીવટી કાર્યાલય, ખેડૂતો માટે રાહતદરે ભોજનાલયનું બાંધકામ, જૂના યાર્ડ સંકુલમાં તમામ એક્શન શેડના છાપરા બદલાવવાનું કામ, પોલીસ ચોંકી, ૧૦૦ ટકા સીસીટીવી સર્વેલન્સ જેવી કામગીરીનો સમાવેશ થાય છે.
વર્તમાનમાં ૧૫ કરોડથી વધુના વિકાસના કામો ચાલુ છે. જેમાં ખેડૂતોની જણસીઓનું પ્રોસેસિંગ કરી તેનું વેચાણ કરવાનું, બાયો વેસ્ટમાંથી ખાતર બનાવવાનો પ્લાન, શાકભાજી યાર્ડ સંકૂલ ખાતે વર્ષોથી કરવામાં આવતી માંગણીના કામો જેવા કે, આર.સી.સી. રોડ રસ્તા, ડ્રેનેજ વર્કસ અને વોટર વર્કસના કામોનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષમાં હવે પછી પેટ્રોલપંપ, ટોઇલેટ બોક્સ, ઓક્શન રોડ જેવા અંદાજિત ૮ કરોડથી વધુના પ્રકલ્પોની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તેવું યાર્ડ દ્વારા જણાવાયું છે.