રાજકોટ આજે બનશે `ક્રિકેટ પાર્ટી’માં મસ્ત
૮થી વધુ સ્થળે `સાગમટે’ લાઈવ ક્રિકેટ મેચનું આયોજન તો ફાર્મહાઉસ, વાડીએ ખાણીપીણીની જ્યાફત સાથે સાથે મેચના જલ્સા ગોઠવાયા
ઘર-ઘરમાં નાના બાળકથી લઇ મોટેરા સુધીના બનશે `ક્રિકેટમય’
ક્રિકેટ વર્લ્ડકપનો ફાઈનલ મુકાબલો હોય અને તેમાં ભારતની ટીમ હોય એટલે આ મેચને જોવામાં રાજકોટીયન્સ ક્યારેય પાછીપાની કરે ખરા ? બિલકુલ નહીં ! આવો જ ફાઈનલ મુકાબલો આજે રાજકોટથી ૨૫૦ કિલોમીટર દુર અમદાવાદમાં રમાવાનો છે ત્યારે રંગીલું રાજકોટ પણ આજે પોતાની રીતે ક્રિકેટપાર્ટી'માં મસ્ત બની જવાનું છે. શહેરમાં આજે ૮થી વધુ સ્થળોએ
સાગમટે’ મેચ જોવાનું આયોજન કરવામાં આવ્યું છે મતલબ કે એક જ સ્થળે ૧૦૦થી ૨૦૦૦ જેટલા લોકો એકઠા થઈને મેચ નિહાળશે. આ ઉપરાંત રવિવાર હોવાથી અનેક ક્રિકેટરસિકો દ્વારા વાડીઓ, ફાર્મહાઉસ પર ભેગા થઈને મેચ જોવાનો પ્રોગ્રામ ઘડી કાઢ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આવું જ કંઈક ઘરમાં ઘરમાં જોવા મળશે જ્યાં નાના બાળકથી લઈ મોટેરા સુધીના `ક્રિકેટમય’ બની ગયેલા જોવા મળશે.
રાજકોટમાં આજે સવાર પડશે એટલે પાનના ગલ્લાથી લઈ મોટી મોટી ફેક્ટરીઓમાં માત્રને માત્ર ક્રિકેટ મેચની જ ચર્ચા સંભળાશે તેમાં બેમત નથી સાથે સાથે બપોરે ૧૨ના ટકોરે રાજકોટના રસ્તા સૂમસામ બની જશે તેમ કહેવામાં પણ કોઈ અતિશ્યોક્તિ નથી. શહેરમાં આમ તો દિવાળીનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે આમ છતાં હજુ અનેક લોકો રજાના મૂડમાં જ હોય આ મુકાબલો નિહાળ્યા બાદ સોમવારથી જ કામધંધે જવાનો પ્લાન બનાવી ચૂક્યા છે. બીજી બાજુ જો ફાઈનલ મુકાબલો ભારત જીતશે તો દિવાળી કરતા પણ વધુ ફટાકડા ફૂટવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
દિવાળીની રજાના માહોલમાં જ ફાઈનલ મુકાબલો હોય લોકો મેચના એક-એક બોલને માણી લેવાના મૂડમાં: ભારત ચેમ્પિયન બન્યું તો દિવાળી કરતાં વધુ ફટાકડા ફૂટશે!
અહીં `લાઇવ મેચ’નું આયોજન
- માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમ-રેસકોર્સમાં
- હેમુ ગઢવી હોલમાં સરગમ ક્લબ દ્વારા
- પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં જૈન વિઝન દ્વારા
- ડ્રાઈવ ઈન સિનેમા પાસે એક્રોલોન્સ પાર્ટીપ્લોટમાં
- ઘંટેશ્વર પાર્કમાં
- મવડી ચોકડીએ
- મોઢ વણિક બોર્ડિંગ ખાતે યોજાનારા સ્નેહમિલનમાં
માધવરાવ સિંધિયામાં ૬૦ડ૩૦ની સ્ક્રીન પર મેચ બતાવાશે
મહાપાલિકા દ્વારા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ-રેસકોર્સ પર પહેલી વખત લાઈવ મેચનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પેવેલિયન સાઈડમાં ૬૦ બાય ૩૦ની વિશાળ સ્ક્રીન મુકવામાં આવશે જેના ઉપર મેચનું પ્રસારણ થશે. આ કાર્યક્રમનો પ્રારંભ બપોરે ૧૨ વાગ્યાથી જ થઈ જશે જે મેચ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલશે. સ્ટેડિયમ ફરતે લોકો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ક્રીનની ખાસ વાત એ છે કે લોકો સ્ટેડિયમના કોઈ પણ ખૂણેથી મેચ જોશે તો તેમને વિઝન વ્યવસ્થિત જોવા મળશે. આ ઉપરાંત ડી.જે., લાઈટસ, સાઉન્ડ, એલઈડી, સ્ટેજ, લોકોની સુરક્ષા સહિતની વ્યવસ્થા પણ ખાસ કરવામાં આવી હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું.