રાજકોટ બની ગયું મેળામય
મંત્રી મૂળું બેરાના હસ્તે રસરંગ લોકમેળો ખુલ્લો મુકાતા જ માનવમહેરામણ ઉમટી પડ્યું: મોતનો કૂવો, ફજર સહિતની રાઇડ્સનું મેળામાં આકર્ષણ: સુરક્ષાને પ્રાધન્ય આપતા કલેકટર પ્રભવ જોશી

લાંબા સમયથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની પ્રજા જેની આતુરતાપૂર્વક ઇન્તજાર કરી રહી હતી તે રસરંગ લોકમેળો પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મેળાનું ઉદઘાટન થતા જ મોડી સાંજથી રેસકોર્સ મેદાનમાં લોકમેળામાં લોકો ઉમટી પડ્યા હતા. ઉપરોક્ત લોકમેળામાં 45 જેટલી અવનવી રાઇડ્સ અને મોતના કુવાએ જબરું આકર્ષણ જમાવ્યું હતું. મંત્રીએ લોકમેળાના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના રેસકોર્સ ખાતેના રસરંગ લોકમેળાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ કે. જી. ચૌધરી, પ્રાંત-2ના ડેપ્યુટી કલેક્ટર સંદિપ વર્મા તેમજ ગ્રામ્યના ડેપ્યુટી કલેક્ટર ટાક સહિતના ઉચ્ચ અધિકારીઓ છેલ્લા એક મહિનાથી લોકમેળાની કામગીરીમાં વ્યસ્ત હતા ટૂંકા ગાળામાં મેળાનું સુંદર આયોજન કરી પ્રજા માટે મેળો ખુલ્લો મુકાતા મંગળવારે અસંખ્ય લોકોએ પ્રથમ દિવસે જ મેળાની મોજ માણી હતી.

રાજકોટમાં ક્યાં કેટલા ખાનગી મેળા
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર આજથી મેળામય બની ગયું છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં રસરંગ લોકમેળાની સાથો સાથ શહેરના વિવિધ વિસ્તારોમાં એક ડજન જેટલા ખાનગી મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર વર્ષની જેમ રોયલ મેળો શીતલ પાર્ક બસ સ્ટેન્ડ પાસે તેમજ અન્ય મેળામાં બાલભવન નાના મોવા સર્કલ ગ્રાઉન્ડ એક અને બે ઉપર આયોજન કરવામાં આવ્યું છે.જ્યારે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે તેમજ આજીડેમ ચોકડી પાસે, ગોંડલ રોડ ઉપર ક્રિષ્ના પાર્ક ચોકડી પાસે, શાપર-વેરાવળ, રતનપર, પરસાણા સર્કલ પાસે જુદા જુદા બે ગ્રાઉન્ડ ઉપર અલગ અલગ જગ્યાએ ખાનગી મેળાઓ યોજાયા છે. આ ઉપરાંત ચંદ્રપ્રભુ પાર્ક આસ્થા ચોક આંબેડકર બસ સ્ટોપ પાસે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
રસરંગ લોકમેળામાં કલેકટર કચેરી સહિતના વિવિધ કંટ્રોલ રૂમના નંબર
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘રસરંગ લોકમેળા’ સંદર્ભે કંટ્રોલ રૂમના ફોન નંબરની યાદી જાહેર કરવામાં આવી છે. જે મુજબ લોકમેળા સમિતિ (ફનવર્ડ ગેઈટ પાસે)ના ફોન નંબર ૯૪૮૪૮૫૭૧૬૧, ૦૨૮૧-૨૯૯૪૬૦૨, પોલીસ કંટ્રોલ (ફનવર્ડ ગેઈટ પાસે)ના ફોન નંબર ૯૪૮૪૮૫૭૧૫૬, ૦૨૮૧-૨૯૯૪૬૦૩, રાજકોટ મહાનગરપાલિકા (હેડ ક્વાર્ટર ગેઈટ પાસે) ના ફોન નંબર ૯૪૮૪૮૩૭૩૮૯, ૦૨૮૧-૨૯૯૪૬૦૪, પી.જી.વી.સી.એલ. ઇલેક્ટ્રિકના ફોન નંબર ૯૪૮૪૮૩૭૩૮૭, ૦૨૮૧-૨૯૯૬૪૦૫ પર સંપર્ક સાધવાનો રહેશે.
