રાજકોટ GST વિભાગને નાણાંકીય વર્ષમાં થઈ રૂ.૨૨૪૦.૪૮ કરોડની આવક
ગત વર્ષે થઈ હતી રૂ.૧૯૪૫.૪૭ કરોડની આવક: વર્ષ ૨૦૨૩-૨૪ના નાણાંકીય વર્ષમાં છલકાવી સરકારની તિજોરી
કેન્દ્ર સરકારની તિજોરી પ્રતિ વર્ષ જીએસટીની આવકથી છલકાઈ રહી છે. સોમવારે કેન્દ્ર સરકારના અહેવાલ મુજબ સરકારને રૂ.૧.૭૮ લાખ કરોડનું જીએસટી કલેક્શન મળ્યું હતું. ગુજરાતને પણ જીએસટીની પ્રભાવક આવક રહી છે અને નોંધપાત્ર વસૂલાત થઈ છે. જેમા રાજકોટ જીએસટી વિભાગે પણ સારી વસૂલાત કરી છે અને નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના અંતે રૂ.૨૨૪૦.૪૮ કરોડની આવક થઈ છે.
જીએસટીની આવક વધતાં સરકારની તિજોરી છલકાઈ છે. કેન્દ્રની સાથોસાથ રાજ્યની આવક પણ વધી છે. તેવામાં રાજકોટ જીએસટી વિભાગે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન જીએસટી કલેક્શનમાં સુંદર કામગીરી કરી હતી અને રાજ્ય સરકારની આવક વધારી હતી.
રાજકોટ જીએસટી વિભાગે નાણાંકીય વર્ષ પૂરું થવાનું હોય નોટિસ બજવણીની કાર્યવાહી શરૂ કરી હતી. બાકીદારોને નોટિસ ભરી ટેક્સ ભરી દેવા તાકીદ કરી હતી. હાલ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના માર્ચ મહિનામાં વાર્ષિક ધોરણે રાજકોટ જીએસટી વિભાગને રૂ.૨૨૪૦.૪૮ કરોડની આવક થઈ છે.
નાણાંકીય વર્ષને લઈને ટાર્ગેટ પૂર્ણ કરવા રાજકોટ જીએસટી વિભાગ દ્વારા બાકીદારોના હિસાબ-કિતાબ ખોલ્યા હતા. જે વેપારીઓએ ટેક્સ ભર્યો ન હોય તેવા વેપારીઓને ભરવા પાત્ર ટેક્સ કેટલો થાય છે? સહિતના મુદ્દે નોટિસોની બજવણી કરી હતી. આમ નાણાકીય વર્ષના અંતે રાજકોટ જીએસટી વિભાગને રૂ.૨૨૪૦.૪૮ કરોડની આવક થઈ હતી. જ્યારે ગત વર્ષે આ આવક રૂ.૧૯૪૫.૪૭ કરોડ હતી. તેવું જીએસટીના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, રાજકોટ જીએસટી વિભાગના દાયરામાં સિજીએસટી અને એસજીએસટી હેઠળ ૧.૧૭ લાખ વેપારીઓનો સમાવેશ થાય છે. માર્ચ મહિનામાં વાર્ષિક ધોરણે રાજકોટ જીએસટી વિભાગે સારી એવી આવક રળી દઈને સરકારની તિજોરી છલકાવી દીધી છે.
