રાજકોટમાં ચૂંટણી પૂરી: મોવડી મંડળ હવે દાવ’ લેશે !
રૂપાલાની સાથે રહી
પીઠ પાછળ ઘા’ કરનારના નામ સાથે ધગધગતો રિપોર્ટ પ્રદેશ તેમજ દિલ્હી પહોંચ્યો
કેટલાંક મોટા માથાના તપેલા ચડી જાય તેવી વકી કોંગ્રેસને તગડું ફંડ આપ્યાની-અપાવ્યાની ચર્ચા
રૂપાલા હારે તે માટે એક જૂથે તમામ પ્રયાસ કર્યા પણ મતદારોએ કહ્યું, ધાર્યું તો અમારું જ થશે…!!
રાજકોટ સહિત ગુજરાતની ૨૫ લોકસભા બેઠક ઉપર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. માથા પરથી બે-ત્રણ મણનો ભાર ઉતરી ગયો હોય તેમ નેતાઓ હળવાશની પળો માણી રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા, સૌથી વધુ વિવાદ જો કોઈ બેઠક પર રહ્યા હોય તો તે રાજકોટની બેઠક છે. અહીં ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી હતી. આમ તો જ્યારથી ટિકિટ અપાઈ ત્યારથી જ પક્ષનું એક જૂથ નારાજ થઈ ગયું હતું પરંતુ મને-કમને તેમણે રૂપાલાને ખભે બેસાડી જીતાડવા સિવાય કશું રહેતું ન્હોતું. આ બધાની વચ્ચે એક કાર્યક્રમમાં રૂપાલાએ નિવેદન આપ્યું’ને આ જૂથને ભાવતું મળી ગયું હોય તેમણે વિવાદને ચગાવવાનું શરૂ કર્યું અને સાથે રહી પીઠ પાછળ ઘા' કર્યાની વાતો અત્યારે ખુદ ભાજપમાં જ ચર્ચાઈ રહી છે. એકંદરે હવે ચૂંટણી પૂરી થઈ ચૂકી છે એટલા માટે મોવડી મંડળ હવે આ
બગાવતી’ જૂથનો દાવ લેશે તેવી ચર્ચા ખુદ ભાજપમાં શરૂ થઈ છે.
મતદાન પૂરું થયા બાદ ક્યાં કેવી સ્થિતિ છે તેનું ગણિત મંડાઈ રહ્યું છે. આ બધાની વચ્ચે ભાજપના જ નેતાઓ-કાર્યકરોમાં એક ચર્ચાએ જોર પકડી લીધું છે કે ભાજપમાં જેનું નામ આદરથી લેવામાં આવે છે તેવા જ નેતાઓ રૂપાલાથી બિલકુલ રાજી ન્હોતા. આ નેતાઓનું ચાલ્યું હોત તો તેઓ મત આપવા ન જતા' તેવું કહેવાની હદ સુધી જઈ શકે તેમ હતા પરંતુ પક્ષ તરફથી જવાબદારી મળેલી હોવાથી આટલી નીચલી કક્ષા સુધી પહોંચી શકે તેવી સ્થિતિ ન્હોતી. આ લોકો આમ તો રૂપાલાની સાથે જ જોવા મળતા હતા પરંતુ તેમણે મળે એટલો
દાવ’ લેવાનું જરાય એટલે જરાય બાકી રાખ્યું નથી. આ લોકોની પક્ષ પ્રત્યેની તેમજ પક્ષે જેની પસંદગી કરી છે તે ઉમેદવાર પ્રત્યેની કુવૃત્તિનો રિપોર્ટ પ્રદેશ કક્ષાએ તેમજ દિલ્હી હાઈકમાન્ડ સુધી મોકલી દેવામાં આવ્યો છે અને સંભવત: પરિણામ બાદ તેમના તપેલા ચડી જશે તે વાત નિશ્ચિત છે.
ખુદ ભાજપના જ નેતાઓ-કાર્યકરો કહી રહ્યા છે કે હદ ત્યાં થઈ ગઈ કે આ નારાજ જૂથે જ કોંગ્રેસને ફંડ આપ્યું અને અપાવવા સુધીની હરકત કરી લીધી છે. એકંદરે આ લોકોની ગણતરી રૂપાલા હારી જાય તેવી જ હતી પરંતુ મતદારોએ તેમની ગણતરી ઉંધી વાળી દઈને ઈરાદાઓ ઉપર પાણી ફેરવી દીધું હોવાની ચર્ચા પણ અત્યારે ચાલી રહી છે. રાજકોટમાં ક્ષત્રિય આંદોલનને હવા' આપવાનું કામ પણ એક
ચોકડી’ દ્વારા કરવામાં આવ્યાની વાત સામે આવી છે ત્યારે હવે આ મામલે આગામી સમયમાં કેવા નિર્ણય પક્ષ તરફથી લેવાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.