રાજકોટ દિવાળીમય’: ચહેરા ખીલી ઉઠ્યા, અનેરો ઉલ્લાસ, બજારો ઉભરાઈ
શેરીએ શેરીએ દિવાળીની ઉજવણી ક્યાં-કેવી રીતે કરવાના છો તેની જ ચર્ચા !!કપડાં-જૂતાં-શણગાર-નાસ્તા-મુખવાસ સહિતની વસ્તુઓની ખરીદી માટે પડાપડી: શૈક્ષણિક કાર્ય બંધ થતાં જ બાળકો
મામા’ના ઘેર રવાના: મહત્તમ પરિવારોએ ફરવા જવા માટે બીસ્તરા-પોટલાં બાંધી લીધા: બસ-ટે્રન-ફ્લાઈટ હાઉસફૂલ
ખરીદીની લગભગ તમામ બજારોમાં ટ્રાફિકજામ, ફટાકડાં ખરીદી માટે ઉભરાતું કીડિયારું: પ્રકાશના પર્વને યાદગાર' બનાવવા રાજકોટીયન્સ કોઈ કચાશ રાખે તેવું બની શકે ખરું ?
તહેવારોમાં જેનું નામ સૌથી
અવ્વલ’ આવે છે તે દિવાળીનો તહેવાર આજથી શરૂ થઈ ચૂક્યો છે. ખાસ કરીને આ વર્ષે તહેવાર વિકેન્ડમાં મતલબ કે રવિવારથી શરૂ થતો હોય મોટાભાગના લોકોએ આ રવિવારથી લઈ આવતાં રવિવાર સુધીનું પ્લાનિંગ કરી લીધું છે.
જો કે આજથી જ તહેવાર શરૂ થઈ રહ્યો હોય રાજકોટ દિવાળીમય' બની ગયું છે તેમ કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ ન હોવી જોઈએ. આજથી રાજકોટની શેરીએ-ગલીએ એક જ વાત સાંભળવા મળશે અને એ વાત એ હશે કે
તમે આ વર્ષે ફરવા ક્યાં જવાના છો, અહીં જ રહીને દિવાળી ઉજવવાના છો કે પછી ક્યાંય જવાનો પ્રોગ્રામ છે ?’ બીજી બાજુ પ્રકાશના પર્વનું રંગેચંગે ઉજવણી કરવા માટે લોકોના ચહેરા સોળે કળાએ ખીલી ઉઠ્યા છે તો ખરીદીની બજારો રીતસરની ઉભરાઈ રહી છે. એકંદરે લોકોના ચહેરા પર અનેરી ચમક આજથી જોવા મળી રહી છે. દિવાળીમાં સૌથી વધુ ખરીદી કપડાં-જૂતાં તેમજ પર્સ-બેલ્ટ સહિતની એસેસરીઝ સહિતની થતી હોય છે. આ ઉપરાંત લોકો ઘરને શણગાર કરવા માટેની વિવિધ વસ્તુઓ, ખાણીપીણીની જ્યાફત માટે નાસ્તાની ખરીદી મન મુકીને કરતા હોય અત્યારે બજારમાં આ વસ્તુઓની પૂરબહારમાં ખરીદી નીકળી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન શૈક્ષણિક કાર્યમાં રજા પડી જતાં મોટાભાગના બાળકો `મામા’ના ઘેર રોકાવા માટે નીકળી પડ્યા છે તો મહત્તમ પરિવારોએ ફરવા જવા માટે બીસ્તરા-પોટલાં બાંધી લીધા છે જેના કારણે બસ, ટે્રન, ફ્લાઈટ હાઉસફૂલ થવા લાગ્યા છે. એકંદરે સવારથી લઈ મોડીરાત સુધી ખરીદીની બજારોમાં ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે તે જ આ તહેવારના આનંદની ગવાહી પૂરે છે.