રાજકોટ : ફરિયાદ-સંકલન બેઠકમાં અશાંતધારો- ekyc ચર્ચામાં, જન્મરણના દાખલા અને આધારકાર્ડની કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠ્યા
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે માર્ચ માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અશાંતધારો, ઈ-કેવાયસી, જન્મ મરણના દાખલ, આધારકાર્ડની કામગીરી, અમદાવાદ સિક્સલેન હાઇવે સહિતના પ્રશ્નો ઉઠ્યા હતા. મોટાભાગના પ્રશ્નોમાં જિલ્લા કલેકટરે સંબંધિત અધિકારીઓને ઝડપભેર કામગીરી કરી પ્રશ્નોનું નિરાકરણ કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહે શહેરમાં અશાંતધારા અને ઈ કે.વાય.સી.ની કામગીરી, લોકમેળાનું સ્થાન બદલવા, જર્જરિત અને વણવપરાયેલી મિલકતો, શહેરમાં ચાલતા ગેરકાનૂની કતલખાના વગેરે બાબતે આ બેઠકમાં રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીએ અરવિંદ મણિયાર હોલ-જયુબીલી ગાર્ડન-લેંગ લાઈબ્રેરીના રીનોવેશન,આધાર કાર્ડમાં સુધારા કરવા માટેના તથા આયુષ્માન કાર્ડ કઢાવવાના શહેરમાં કાર્યરત કેન્દ્રો,જન્મ – મરણના દાખલા કઢાવવાની કામગીરી વગેરે અંગે પ્રશ્નો કર્યા હતા.
આ ઉપરાંત, ધોરાજી અને ઉપલેટામાં કન્ડમ થયેલા સરકારી ક્વાર્ટર્સને પાડવાની કામગીરી, રાજકોટ-અમદાવાદ હાઇવેની કામગીરી, રાજકોટ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા, વગેરે અંગે આ બેઠકમાં ચર્ચા થઈ હતી સંકલન સહ ફરિયાદ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, સંસદસભ્ય રામભાઇ મોકરીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, મહેન્દ્ર પાડલીયા અને રમેશભાઈ ટીલાળાએ રજૂ કરેલા વિવિધ પ્રશ્નો અંગે ઝડપી કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા હતા.