તહેવારોમાં પણ તેજી-તેજી : રાજકોટ જિલ્લામાં ઓગસ્ટમાં 12618 દસ્તાવેજ નોંધાયા
રાજકોટના મોરબી રોડ, મવડી, ગોંડલ અને રતનપરમા જમીન-મકાનમાં તેજી
રાજકોટ : સામાન્ય રીતે તહેવારોના સમયમાં જમીન-મકાનના ધંધામાં મંદીનો માહોલ જોવા મળતો હોય છે ત્યારે રાજકોટ જિલ્લામાં પવિત્ર શ્રાવણમાસ અને તહેવારોની મૌસમ વચ્ચે પણ ઓગસ્ટ મહિનામાં 12618 દસ્તાવેજ નોંધાયા છે, શહેર જિલ્લામાં રાજકોટના મોરબી રોડ, મવડી, ગોંડલ અને રતનપરમા જમીન-મકાનમાં અનેક સોદા થતા દસ્તાવેજોની નોંધણી થઇ હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે.
રાજકોટ જિલ્લામાં વર્ષ 2024માં વણથંભી તેજીના માહોલ વચ્ચે માર્ચ અને એપ્રિલ માસમાં જમીન મકાનના અસંખ્ય વ્યવહારો થયા બાદ તહેવારોની મૌસમ એવા શ્રાવણમાસમાં પણ મોટાપ્રમાણમાં દસ્તાવેજોની નોંધણી થઇ હતી.સબરજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલ દસ્તાવેજ મુજબ રાજકોટ જિલ્લાની 18 સબરજિસ્ટ્રાર કચેરીમાં કુલ 12618 દસ્તાવેજ નોંધણી થઇ હતી જેમાં સૌથી વધુ 1533 દસ્તાવેજ મોરબી રોડ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા હતા.
મોરબી રોડ ઉપરાંત રાજકોટ શહેરના મવડી સબ રજિસ્ટ્રાર કચેરીમાં 1242, ગોંડલ ખાતે 1258, રતનપર સબ રજિસ્ટ્રાર કચેરીમાં 968, રૈયામાં 899, લોધીકામાં 936, મવામાં 820 દસ્તાવેજની નોંધણી થઇ હતી. આ ઉપરાંત પડધરી, જેતપુર, ઉપલેટા, ધોરાજી, જસદણ, કોટડા, કોઠારીયા અને રૂરલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પણ મોટા પ્રમાણમાં દસ્તાવેજ નોંધાયા હતા. સૌથી ઓછા દસ્તાવેજ વિંછીયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફક્ત 69 જ નોંધાયા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ઓગસ્ટ મહિના દરમિયાન થયેલ 12618 દસ્તાવેજોની નોંધણીના કારણે સરકારને સ્ટેમ્પ ડ્યુટી પેટે અધધ કહી શકાય તેટલી રૂપિયા 71,56,28,297ની તેમજ નોંધણી ફી પેટે રૂપિયા 11,79,56,406ની આવક થવા પામી હતી.